
સુરત, 02 જૂન (હિ.સ.): સુરતની નવી સિવિલ હોસ્પિટલની કેસબારી પર ફરજ બજાવતા આઉટસોર્સિંગ એજન્સીના એક કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા દર્દીઓ પાસેથી ગેરકાયદેસર રીતે રૂ. 20 લેવામાં આવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સિવિલ પ્રશાસન દ્વારા ત્વરિત કડક પગલાં લેવામાં આવ્યા છે. આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈ નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. પારુલ વડગામાના અધ્યક્ષસ્થાને તાત્કાલિક અસરથી સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં શિસ્તભંગ કરનાર સંબંધિત ડેટા ઓપરેટરને તાત્કાલિક અસરથી સેવામાંથી ફરજમુકત કરવાનો નિર્ણય લેવાયો છે.
તબીબી અધિક્ષકની ચેમ્બરમાં યોજાયેલી આ તાકીદની બેઠકમાં આર.એમ.ઓ. ડો. કેતન નાયક, ઇન્ચાર્જ નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ ઇકબાલ કડીવાલા સહિત હોસ્પિટલના તમામ આઉટસોર્સિંગ એજન્સીના કોન્ટ્રાક્ટરો, સુપરવાઈઝરો, ડેટા ઓપરેટરો અને સિક્યુરિટી ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં પ્રશાસને ભ્રષ્ટાચાર સામે શૂન્ય સહિષ્ણુતા (ઝીરો ટોલરન્સ)ની નીતિ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં ગેરરીતિ આચરનાર કોઈ પણ તત્વને સાંખી લેવામાં આવશે નહીં.
બેઠકમાં મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.પારુલ વડગામાએ તમામ ડેટા ઓપરેટરો અને કર્મચારીઓને કડક સૂચના આપી હતી કે, સિવિલ હોસ્પિટલમાં આવતા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ સાથેનું વર્તન કાયમ નમ્ર, આદરપૂર્વક અને સૌજન્યપૂર્ણ હોવું જોઈએ. કેસબારી પર દર્દીઓની નોંધણી કરતી વખતે તેમના નામ, સરનામા સહિતની તમામ વિગતો કોઈ પણ ક્ષતિ વિના ચોકસાઈપૂર્વક લખવાની રહેશે. આ ઉપરાંત, તમામ ઓપરેટરોએ પોતાની ફરજ પૂરી નિષ્ઠા, પારદર્શિતા અને ઝડપથી બજાવવાની રહેશે, જેથી દર્દીઓને બિનજરૂરી સમય ન બગડે અને સમયસર તબીબી સારવાર મળી રહે.
હોસ્પિટલ વહીવટી તંત્ર દ્વારા તમામ એજન્સીના સુપરવાઈઝરોને દૈનિક ધોરણે કેસબારીઓનું આકસ્મિક સુપરવિઝન કરવા અને સ્ટાફ સમયસર પોતાની ફરજ બજાવે તે સુનિશ્ચિત કરવાની સુચના આપવામાં આવી હતી. સિવિલ પ્રશાસન દ્વારા તમામ કર્મચારીઓને ચેતવણી આપતા જો ભવિષ્યમાં કોઈ પણ કર્મચારી વિરુદ્ધ નાણાકીય ગેરરીતિ, લાંચ-રૂશ્વત કે દર્દીઓ સાથે અણછાજતા વર્તનની ફરિયાદ કે આક્ષેપ થશે તો કડક પગલા લેવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે