
સુરત, 02 જૂન (હિ.સ.)-સુરતની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વરાછા શાખામાં થયેલી ₹50 લાખની લૂંટના કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચને વધુ એક મહત્વની સફળતા મળી છે. બિહારની કુખ્યાત કુંદન ભગત ગેંગના સાગરીત મન્તીશ ઉર્ફે મુકેશ કુમાર લખેન્દ્ર રાય (ઉ.વ. 21)ની બિહારના પૂર્વ ચંપારણ (મોતિહારી) જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી નેપાળ ભાગી જવાની તૈયારીમાં હતો, પરંતુ તે પહેલાં જ પોલીસે તેને ઝડપી લીધો હતો.
લૂંટ કેસમાં અગાઉ ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન મુકેશ કુમારનું નામ સામે આવ્યું હતું. ત્યારબાદ PI એસ.એન. પરમારના નેતૃત્વમાં સુરત ક્રાઈમ બ્રાન્ચની વિશેષ ટીમ બિહાર પહોંચી હતી. સ્થાનિક પોલીસની મદદથી ટીમે પૂર્વ ચંપારણ અને મોતિહારી જિલ્લામાં સતત 8 દિવસ સુધી તપાસ હાથ ધરી હતી.
મુકેશ પોલીસથી બચવા માટે સતત પોતાનું ઠેકાણું બદલતો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે સ્થાનિક પહેરવેશમાં અને ખાનગી કપડાંમાં રહી હ્યુમન ઇન્ટેલિજન્સ નેટવર્ક ગોઠવ્યું હતું. અંતે 30 મેની રાત્રે મોતિહારીના બિરતી બજાર ચોક વિસ્તારમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુકેશનો સીધો સંપર્ક લૂંટના મુખ્ય સૂત્રધાર પૈકીના એક વિજય સાથે હતો. બંને એકબીજાના પડોશી ગામના રહેવાસી અને બાળમિત્રો હોવાનું જાણવા મળ્યું છે.
વિજયે જ મુકેશને ગેંગમાં સામેલ કર્યો હતો અને લૂંટ દરમિયાન કોઈ વિરોધ કરે અથવા પોલીસનો સામનો કરવો પડે તો તેના માટે બિહારમાં અવાવરૂ જગ્યાએ દેશી તમંચા અને પિસ્તોલથી ફાયરિંગની તાલીમ પણ આપી હતી. હાલ વિજય પોલીસ પકડથી દૂર છે.મુકેશ કુમારને મોતિહારી કોર્ટમાં રજૂ કર્યા બાદ 72 કલાકના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર સુરત લાવવામાં આવ્યો છે. એડિશનલ પોલીસ કમિશનર કરણસિંહ વાઘેલાએ જણાવ્યું કે મુકેશ લૂંટ દરમિયાન બેંકમાં હથિયાર સાથે પ્રવેશનારા આરોપીઓમાં સામેલ હતો.
પોલીસ હવે લૂંટમાં વપરાયેલા 6 હથિયારો ક્યાં છુપાવવામાં આવ્યા છે તેની તપાસ કરશે. ઉપરાંત ₹50 લાખની લૂંટમાંથી તેને કેટલો હિસ્સો મળવાનો હતો અથવા અગાઉ કોઈ રકમ આપવામાં આવી હતી કે નહીં તે મુદ્દે પણ ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવશે.
સાથે જ સુરતમાં આ ગેંગને સ્થાનિક સ્તરે આશ્રય અને મદદ કરનાર વ્યક્તિઓની શોધખોળ પણ તેજ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે