

અમદાવાદ,02 જૂન (હિ.સ.) અમદાવાદ શહેરની આગવી ઓળખ સમાન સાબરમતી નદી અને રિવરફ્રન્ટ વિસ્તારને સ્વચ્છ, સુરક્ષિત અને પર્યાવરણલક્ષી રાખવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા આજે 2 જૂનથી 5 જૂન સુધી સાબરમતી નદીના પટમાં વિશેષ સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.
સાબરમતી ગાંધી આશ્રમ પાસેના નદીના પટમાં સવારે 8 વાગ્યે મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલ, દર્શના વાઘેલા, ધારાસભ્યો અને નવનિયુક્ત કોર્પોરેટરો તેમજ મેયર સહિતના મુખ્ય પદાધિકારીઓ માત્ર નદીમાં ફોટો સેશન કરાવવા માટે ઉતર્યા હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.
ભાજપના નવનિયુક્ત કોર્પોરેટરોમાંથી 50 ટકા કોર્પોરેટરો તો સાબરમતી નદીના પટમાં ઉતર્યા નહોતા. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શ્રમદાન કરી 'સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન'નો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમની સાથે રાજ્યમંત્રી દર્શના વાઘેલા પણ સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનમાં સહભાગી થયા હતા.. આજે અંદાજીત 68 ટન જેટલો કચરો દૂર કરાયો હતો.
આ પ્રસંગે કેબિનેટ અને અમદાવાદ જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સ્વચ્છતાના આગ્રહી અને સંકલ્પબદ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને અનુસરી આજે અહીં મોટી સંખ્યામાં નાગરિકો સ્વયં સફાઈ અભિયાનમાં સહભાગી થવા ઉપસ્થિત રહ્યા છે જે આનંદની વાત છે. તેમણે સૌ નાગરિકોને સ્વચ્છતા રાખવા અપીલ કરતા કહ્યું કે, સ્વચ્છતા માટેની વ્યવસ્થા સરકાર ઊભી કરી શકે પણ સ્વભાવ તો નાગરિકે જાતે કેળવવો પડે.
સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતતા આવે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાયેલ પ્રયાસની મંત્રીએ સરાહના કરી હતી અને કહ્યું હતું કે, આગામી દિવસોમાં આ ગ્રામ્ય વિસ્તારોથી લઈ મહાનગર સુધી આ પ્રકારના સ્વચ્છતાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તેવું મંત્રીએ ઉમેર્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું કે, સ્વચ્છતા સાથે આરોગ્ય સહિતની અનેક બાબતો જોડાયેલી છે માટે સ્વચ્છતાને આદત બનાવવી જરૂરી છે. વડાપ્રધાનશ્રીએ સ્વચ્છતા, વૃક્ષોનું વાવેતર જેવી અનેક પર્યાવરણીય બાબતોથી લોકોને જોડ્યા છે તેવું તેમણે ઉમેર્યું હતું.ઉપસ્થિત સૌ મહાનુભાવોએ સ્વચ્છતા અંગે પ્રતિજ્ઞા લીધી હતી.
'સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન'માં શહેરના સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર, વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ, એન.જી.ઓ., કોર્પોરેટ કંપનીઓના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, યુવાનો, સફાઈ કામદારો, પોલીસ કર્મચારીઓ, NCC સાથે સંકળાયેલા લોકો સહિત બહોળા પ્રમાણમાં લોકો સહભાગી થઈ શ્રમદાન કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ