શંકાના વાવાઝોડામાં તૂટવાના આરે પહોંચેલો 11 વર્ષનો સંસાર મહિલા સહાયતા કેન્દ્રે બચાવ્યો.
પોરબંદર, 02 જૂન (હિ.સ.) આજના આધુનિક યુગમાં પણ નાની-નાની ગેરસમજ અને શંકા-કુશંકાના કારણે હસતા-ખેડતા પરિવારો ઉજ્જડ થઈ જતા હોય છે, ત્યારે પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર) દ્વારા વધુ એક વિખૂટા પડ
શંકાના વાવાઝોડામાં તૂટવાના આરે પહોંચેલો 11 વર્ષનો સંસાર મહિલા સહાયતા કેન્દ્રે બચાવ્યો.


પોરબંદર, 02 જૂન (હિ.સ.) આજના આધુનિક યુગમાં પણ નાની-નાની ગેરસમજ અને શંકા-કુશંકાના કારણે હસતા-ખેડતા પરિવારો ઉજ્જડ થઈ જતા હોય છે, ત્યારે પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર) દ્વારા વધુ એક વિખૂટા પડતા પરિવારને બચાવી લેવામાં સફળતા મળી છે. પ્રેમ લગ્નના 11 વર્ષ બાદ શંકા અને ઘરેલું કલેશના કારણે તૂટવાના આરે પહોંચેલા એક દંપતીનું સુખદ સમાધાન કરાવીને કાઉન્સિલિંગ સેન્ટરે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

અરજદાર મહિલાના લગ્ન 11 વર્ષ પૂર્વે પરિવારની સહમતીથી પ્રેમ લગ્ન સ્વરૂપે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને બે દીકરીઓ છે. જો કે, છેલ્લા ત્રણ મહિનાથી પતિને અન્ય કોઈ યુવતી સાથે સંબંધ હોવાની આશંકા સેવાતા ઘરમાં વિખવાદ શરૂ થયો હતો. આ શંકાના કારણે પતિ દ્વારા પત્નીને શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને તેને પિયર જવાની પણ મનાઈ ફરમાવી દેવાઈ હતી. આખરે કંટાળીને પરિણીતાએ પતિ વિરુદ્ધ મહિલા સહાયતા કેન્દ્રમાં અરજી કરી હતી.

અરજી મળતા જ મહિલા સહાયતા કેન્દ્ર દ્વારા સામેના પક્ષ એટલે કે પતિને કેન્દ્ર પર તેડાવવામાં આવ્યા હતા. શરૂઆતમાં પતિએ એવો આક્ષેપ કર્યો હતો કે પત્ની પિયર જાય છે તે પછી જ ઘરમાં ઝગડા થાય છે. મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સિલર હેતલ પંડ્યા અને તેજલ રાજાણી દ્વારા બંને પક્ષોની દલીલો ખૂબ જ શાંતિપૂર્વક સાંભળવામાં આવી હતી. કાઉન્સિલિંગ દરમિયાન બહાર આવ્યું કે બંને વચ્ચે સંવાદનો અભાવ હતો, જેના કારણે ગુસ્સો અને શંકા સતત વધતા ગયા હતા અને ઘરમાં રોજબરોજના કજિયા થતા હતા.

કાઉન્સિલરોએ દંપતીને ખુલ્લા મને વાતચીત કરવા પ્રેર્યા હતા અને પતિના મનમાંથી પત્ની પ્રત્યેની તથા પત્નીના મનમાંથી પતિના અન્ય સંબંધો અંગેની તમામ શંકાઓ દૂર કરાવી હતી. પતિ-પત્ની તરીકેની ફરજોની સમજ આપી કાઉન્સિલરે જણાવ્યું હતું કે, શંકાની કોઈ દવા હોતી નથી. જો આવી ક્ષુલ્લક બાબતોમાં ઘર તૂટી જશે તો માસૂમ બાળકોના ભવિષ્ય પર તેની ગંભીર અસર પડશે. પરિવારમાં કોઈ પણ પ્રશ્ન હોય તો વડીલોની સલાહ લેવા અને સામસામે બેસીને ઉકેલ લાવવા સમજાવવામાં આવ્યું હતું.

અંતે, મહિલા સહાયતા કેન્દ્રની યોગ્ય સમજાવટ અને સકારાત્મક પ્રયાસો રંગ લાવ્યા હતા. દંપતીએ પોતાની ભૂલ સ્વીકારી, ઘર ન તોડવાનો અને એકબીજા સાથે સુમેળભર્યા વાતાવરણમાં રહેવાનો નિર્ણય કર્યો હતો. બંને પક્ષે પરસ્પર સંમતિથી સમાધાન થતાં વિખૂટો પડતો પરિવાર ફરી એકવાર એક તાંતણે બંધાયો છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande