
પોરબંદર, 02 જૂન (હિ.સ.) પોરબંદર શહેરમાં પતિ ફોન ન ઉપાડતા મન દુઃખ લાગવાથી એક મહિલાએ ફીનાઈલ પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ઘટના સામે આવી હતી. આ બનાવ અંગે કીર્તિમંદિર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ પોરબંદર ચોપાટી ખાતે રામદેવપીરના મંડપનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સુભાષનગર વિસ્તારમાં રહેતા પ્રિયંકા
રામ કાણકીયા પોતાના પતિ સાથે રામાપીરના મંડપ ખાતે દર્શનાર્થે ગયા હતા. ત્યાં ધાર્મિક કાર્યક્રમ હોવાથી તેઓ મોડીરાત્રિ સુધી રોકાયા હતા. સતત ઉજાગરો થવાના કારણે પ્રિયંકાબેન પોતાના માવતરના ઘરે આરામ કરવા માટે રોકાયા હતા. તે દરમિયાન તેઓએ પોતાના પતિનો સંપર્ક કરવા માટે અનેક વખત મોબાઈલ ફોન પર કોલ કર્યા હતા.
જોકે પતિ દ્વારા ફોન રિસીવ કરવામાં ન આવતા તેમને મનમાં લાગી આવ્યું હતું. આથી તેમણે ઉશ્કેરાઈ જઈ ફીનાઈલ પી લીધી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. બનાવ બાદ તેમની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. બનાવને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya