



પોરબંદર, 02 જૂન (હિ.સ.) પોરબંદર-માધવપુર રોડ પર ગોરસર ટોલનાકા નજીક મોડી રાત્રે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. થાર કાર અને બાઈક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં પોરબંદરના મુસ્લિમ પરિવારના માતા, પિતા અને ત્રણ વર્ષના માસૂમ બાળકનો કરૂણ અંત આવ્યો હતો.
પોરબંદરમાં રહેતા નજીર જુમ્મા સાટી પોતાની પત્ની રોઝીનાબેન નજીર સાટી અને ત્રણ વર્ષના પુત્ર શાહનવાઝ નજીર સાટી સાથે સાસરિયેથી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ગોરસર નજીક તેમની બાઈકને થાર કાર ચાલકે જોરદાર ઠોકર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે બાઈક રસ્તા પરથી ફંગોળાઈને બાવળની ઝાળીમાં ઘૂસી ગયું હતું.અકસ્માતની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી આવે છે કે બાઈકમાં પાછળ બેઠેલી રોઝીનાબેન આશરે 22 ફૂટ જેટલી દૂર ફંગોળાઈ ગઈ હતી. અકસ્માતમાં ત્રણેયને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
એક જ પરિવારના ત્રણ સભ્યોના એકસાથે થયેલા મોતના સમાચાર મળતા પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો અને સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી.અકસ્માતમાં થાર કારમાં સવાર બે લોકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી.બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિની હાલત વધુ ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે માધવપુર સીએસસી ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. ફોરેન્સિક ટીમ દ્વારા પણ સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને અકસ્માત અંગેના પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા.એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતના આ કરૂણ બનાવથી પોરબંદર શહેર અને મૃતકોના વતન વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya