
ભાવનગર, 02 જૂન (હિ.સ.)ભાવનગર જિલ્લાના દરિયા કિનારે અનેક મંદિરો, પૌરાણિક સ્થળો, ઔદ્યોગિક સ્થળો આવેલા છે જ્યાં રોજના માટે અનેક લોકો મુલાકાત લેતા હોય છે. કેટલાક સ્થળો જ્યાં પૌરાણિક ઇતિહાસ રહેલો છે ખાસ તો દરિયા કાંઠે આ અનેક સ્થળો આવેલા હોવાના કારણે લોકો ત્યાં આવીને શાંતિનો અનુભવ કરતા હોય છે. વેકેશનનો સમય હોય કે પછી રજાના દિવસો તે જ સમય દરમિયાન આ અલગ અલગ સ્થળોની લોકો મુલાકાત લેતા હોય છે અને શાંતિનો અનુભવ પણ કરતા હોય છે.
ભાવનગર જિલ્લાના દરિયાકાંઠે આવેલા નિષ્કલંક મહાદેવ મંદિર ભક્તોની આસ્થાનું મહત્વપૂર્ણ તીર્થધામ છે. આ મંદિર કોળિયાક ગામ નજીક અરબી સમુદ્રના મધ્યમાં આવેલું હોવાથી તેની વિશેષ ઓળખ છે. દરિયાની ભરતી અને ઓટ સાથે મંદિરનું અદભુત દૃશ્ય જોવા મળે છે. ઓટના સમયે ભક્તો પગપાળા મંદિર સુધી પહોંચી ભગવાન શિવના દર્શન કરી શકે છે.ભાવનગર જિલ્લાના મહુવાથી આશરે 5 કિમી દૂર અરબી સમુદ્રની સપાટીથી લગભગ 150 ફૂટ ઊંચાઈ પર આવેલું ભવાની માતાનું મંદિર શ્રદ્ધાળુઓ અને પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.
ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતું આ સ્થળ ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજી સાથે જોડાયેલી લોકકથાઓ માટે પણ જાણીતું છે. કુદરતી સૌંદર્ય અને આધ્યાત્મિક વાતાવરણને કારણે આ સ્થળ લોકપ્રિય પિકનિક પોઈન્ટ તરીકે વિકસ્યું છે. રવિવાર અને તહેવારોના દિવસોમાં, અહીં મોટી સંખ્યામાં લોકો દર્શન અને સહેલગાહ માટે આવે છે.ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગોપનાથ ગામે આવેલું ગોપનાથ મહાદેવ મંદિર, ધાર્મિક અને પર્યટન દૃષ્ટિએ મહત્વનું સ્થળ છે. આ મંદિર શિવભક્તો માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર ગણાય છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શિવના દર્શન અને પૂજા-અર્ચના માટે આવે છે.સમુદ્રના મનોહર નજારા અને શાંત વાતાવરણ પ્રવાસીઓને આકર્ષે છે.
ભાવનગર જિલ્લાનું હાથબ એક ઐતિહાસિક ગામ અને લોકપ્રિય દરિયાકિનારાનું પર્યટન સ્થળ છે. ભાવનગર શહેરથી આશરે 30 કિલોમીટર દૂર આવેલું આ સ્થળ તેના કુદરતી સૌંદર્ય, શાંતિપૂર્ણ વાતાવરણ અને ઐતિહાસિક મહત્વ માટે ઓળખાય છે. દરિયાકિનારે આવેલો હાથબ બંગલો પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે અહીંનું શાંત અને રમણીય વાતાવરણ મુલાકાતીઓને વિશેષ આનંદનો અનુભવ કરાવે છે.
અલંગ વિશ્વપ્રસિદ્ધ શિપ બ્રેકિંગ યાર્ડ તરીકે ઓળખાય છે.વિશ્વના વિવિધ દેશોમાંથી મોટા જહાજો અહીં ભંગાણ માટે લાવવામાં આવે છે.અહીં આવેલી અનેક દુકાનોમાં જહાજોમાંથી મળતી ફર્નિચર, હોમ ડેકોર, ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય ઉપયોગી વસ્તુઓ વ્યાજબી ભાવે ઉપલબ્ધ હોય છે. વિશાળ જહાજોને દૂર થી જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો અહીં મુલાકાત લે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA