
સુરત, 02 જૂન (હિ.સ.): સુરતના સરથાણા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. યોગીચોક નજીક આવેલી એક રહેણાંક સોસાયટીમાં રહેતી 29 વર્ષીય મહિલાએ પોતાના ચાર મહિનાના દીકરાને એસિડ પીવડાવ્યા બાદ પોતે પણ એસિડ પી લીધું હતું. ગંભીર હાલતમાં બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન માતા અને બાળક બંનેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે.
મહિલા મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાની વતની હતી અને લગ્ન બાદ સુરતમાં રહેતી હતી. થોડા મહિના પહેલાં જ તેણે પુત્રને જન્મ આપ્યો હતો. પરિવારના જણાવ્યા મુજબ, પ્રસૂતિ બાદ તેની માનસિક સ્થિતિ સતત બગડતી જઈ રહી હતી અને તે સારવાર હેઠળ હતી. છેલ્લા કેટલાક દિવસોથી તેણે જમવાનું પણ લગભગ બંધ કરી દીધું હતું, જેના કારણે પરિવાર ચિંતિત હતો.
પ્રાથમિક માહિતી અનુસાર, સોમવાર સાંજે મહિલા પોતાના દીકરાને લઈને સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ટોઇલેટમાં ગઈ હતી. ત્યાં તેણે પહેલા બાળકને એસિડ પીવડાવ્યું અને ત્યારબાદ પોતે પણ તે જ પગલું ભર્યું હતું. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને સ્થાનિક લોકો બંનેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડૉક્ટરો તેમને બચાવી શક્યા નહોતા.
પોલીસે સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, મહિલા લાંબા સમયથી માનસિક બીમારીની સારવાર લઈ રહી હતી. જોકે, આ દુઃખદ ઘટનાનું ચોક્કસ કારણ શું હતું અને તેમાં પ્રસૂતિ બાદના ડિપ્રેશનની કેટલી ભૂમિકા હતી તે અંગે વધુ તપાસ ચાલી રહી છે. પરિવાર પર આ ઘટનાથી દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે