
પાટણ, 02 જૂન (હિ.સ.)પાટણના વેરાઈ ચકલા વિસ્તારમાં પિયરમાં રહેતી 23 વર્ષીય પૂજાબેન પટણીના લગ્ન 21 જૂન, 2024ના રોજ પાલનપુર તાલુકાના પીંપળી ભાગળના જયેશભાઈ પટણી સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ પૂજાબેન ગર્ભવતી બનતાં પતિ અને સાસરીયાઓએ મારઝૂડ કરી તેને પિયર મૂકી દીધી હોવાનો આરોપ છે.
પૂજાબેને 16 સપ્ટેમ્બર, 2025ના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મની જાણ કરવા છતાં સાસરી પક્ષનો કોઈ સભ્ય જોવા આવ્યો નહોતો. બાદમાં ફેમિલી કોર્ટમાં અરજી થતાં સામાજિક સમાધાન બાદ પૂજાબેન ફરી સાસરીમાં રહેવા ગયા હતા.
પરંતુ 30 એપ્રિલ, 2026ના રોજ પતિ જયેશભાઈ, સાસુ અરુણાબેન, સસરા દિનેશભાઈ અને દિયર શૈલેષભાઈએ મળીને મેણા-ટોણા મારી મારઝૂડ કરી ઘરેથી કાઢી મૂક્યાનો આરોપ છે. ત્યારબાદ પૂજાબેને કાકા સસરાના ઘરે આશરો લીધો અને પિયર પક્ષને જાણ કરી હતી.
ઘટના બાદ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયેલી પૂજાબેને મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સમાધાનના પ્રયાસો નિષ્ફળ જતા પતિ સહિત ચાર સભ્યો સામે BNSની કલમ 85, 296(b), 115(2) અને 54 હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ