વિશ્વ સાયકલ દિવસ: પાટણ રાઈડર્સનો ફિટનેસ અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ
પાટણ, 02 જૂન (હિ.સ.)વર્લ્ડ સાયકલ ડે નિમિત્તે પાટણ રાઈડર્સ ઓફિશિયલ સાયકલિંગ ક્લબે સાયકલિંગના મહત્વ અંગે જાગૃતિ ફેલાવી છે. ક્લબના સભ્યો પર્યાવરણ સુરક્ષા, સ્વાસ્થ્ય અને ગંભીર રોગો સામે લડવા માટે સાયકલિંગને શ્રેષ્ઠ વિકલ્પ તરીકે પ્રોત્સાહિત કરી રહ્યા છે
વિશ્વ સાયકલ દિવસ: પાટણ રાઈડર્સનો ફિટનેસ અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ


પાટણ, 02 જૂન (હિ.સ.)વર્લ્ડ સાયકલ ડે નિમિત્તે પાટણ રાઈડર્સ ઓફિશિયલ સાયકલિંગ ક્લબે સાયકલિંગના મહત્વ અંગે જાગૃતિ ફેલાવી છે. ક્લબના સભ્યો પર્યાવરણ સુરક્ષા, સ્વાસ્થ્ય અને ગંભીર રોગો સામે લડવા માટે સાયકલિંગને શ્રેષ્ઠ વિકલ્પ તરીકે પ્રોત્સાહિત કરી રહ્યા છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હૃદયરોગ જેવા રોગોથી બચવામાં નિયમિત સાયકલિંગ અસરકારક સાબિત થઈ રહ્યું છે.

વર્ષ 2015માં દેવાંગ સાલવી, રવીસ મોદી, નીતિન પટેલ અને સંદીપ મોઢ દ્વારા માત્ર ચાર સભ્યો સાથે શરૂ થયેલી આ ક્લબ આજે 70થી વધુ સક્રિય સભ્યો ધરાવે છે. ડોકટરો, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને ઉદ્યોગકારો સહિતના સભ્યો સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ સમાજ સુધી પહોંચાડી રહ્યા છે.

ગ્લોબલ વોર્મિંગની વધતી ચિંતા વચ્ચે સાયકલ એક પ્રદૂષણમુક્ત અને પર્યાવરણમૈત્રી વાહન તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ક્લબ દ્વારા દર વર્ષે વિવિધ સાયકલિંગ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવે છે, જેમાં 200 કિલોમીટરની BRM રાઈડ જેવી પડકારજનક સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. સભ્યો મહેસાણા અને અમદાવાદમાં યોજાયેલી સમાન ઇવેન્ટ્સમાં પણ ભાગ લઈ ચૂક્યા છે.

ક્લબ દર રવિવારે પાટણ આસપાસ નાના સાયકલિંગ કાર્યક્રમો યોજે છે તેમજ વર્ષમાં બે-ત્રણ લાંબી રાઈડ્સનું આયોજન કરે છે. પાટણથી અંબાજી, દીવ-ઊના, કેવડિયા, હિંમતનગર, બહુચરાજી અને સિદ્ધપુર સુધીની યાત્રાઓ દ્વારા સભ્યો ફિટનેસ સાથે સાહસ અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ પણ ફેલાવી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande