મોરા ગામમાં લગ્નની લાલચમાં યુવક સાથે 2.35 લાખની ઠગાઈ
સુરત, 02 જૂન (હિ.સ.): ચોર્યાસી તાલુકાના મોરાગામ નજીક રહેતા યુવકને લગ્ન માટે યોગ્ય યુવતી શોધી આપવાની લાલચ આપી અને વિવિધ પૂજા-વિધિના નામે 2.36 લાખથી વધુની રકમ પડાવી લેવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર જ્યોતિષ અને લવ સોલ્યુશનના નામે
Fraud


સુરત, 02 જૂન (હિ.સ.): ચોર્યાસી તાલુકાના મોરાગામ નજીક રહેતા યુવકને લગ્ન માટે યોગ્ય યુવતી શોધી આપવાની લાલચ આપી અને વિવિધ પૂજા-વિધિના નામે 2.36 લાખથી વધુની રકમ પડાવી લેવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર જ્યોતિષ અને લવ સોલ્યુશનના નામે ચાલતા એક એકાઉન્ટ મારફતે થયેલી આ ઠગાઈ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ ચોર્યાસી તાલુકાના મોરાગામ નજીક આવેલા દામકાગામના નાનમીઠા ફળિયામાં રહેતા અને માર્કેટિંગનું કામ કરતા પ્રજ્ઞેશ અમૃતભાઈ પટેલે તેમના લગ્ન ન થતાં હોવાથી તેઓ સોશિયલ મીડિયા પર જ્યોતિષ અને લગ્ન સંબંધિત રીલ્સ જોતા હતા. આ દરમિયાન તા. 22 એપ્રિલ, 2025ના રોજ ઇન્સ્ટાગ્રામ પર ઈન્ડિયા બેસ્ટ લવ શોલ્યુશન નામના એકાઉન્ટ સાથે તેમનો સંપર્ક થયો હતો. આ એકાઉન્ટ સાથે સંકળાયેલા મોબાઇલ નંબરના યુઝરે પોતાનું નામ આર.કે. શાસ્ત્રી હોવાનું જણાવ્યું હતું. પ્રજ્ઞેશે પોતાની લગ્ન સંબંધિત સમસ્યા જણાવતા આરોપીએ વિશ્વાસ અપાવ્યો હતો કે તે તેમને ટૂંક સમયમાં યોગ્ય યુવતી શોધી આપશે. જો કે તે માટે વિશેષ પૂજા-વિધિ અને ધાર્મિક અનુષ્ઠાન કરાવવા પડશે તેમ કહી વિવિધ ચાર્જની માંગણી કરી હતી. આરોપીએ ધીમે ધીમે યુવકને વિશ્વાસમાં લઈ અલગ-અલગ સમયે અજય છત્રી, પૃથ્વીરાજસિંહ અને મનિષ નામના વ્યક્તિઓના સ્કેનર અને ઓનલાઈન પેમેન્ટ ક્યુઆર કોડ મોકલી તેમની પાસેથી ટુક઼ડે ટુકડે કરી કુલ રૂ. 2,36,299ની રકમ ટ્રાન્સફર કરી હતી. રકમ મળ્યા બાદ પણ આરોપીએ લગ્ન માટે કોઈ યુવતી શોધી આપી નહોતી તેમજ કરાવેલી પૂજા-વિધિનું કોઈ પરિણામ પણ આવ્યું નહોતું. ત્યારબાદ પ્રજ્ઞેશે પોતાની રકમ પરત માંગતા આરોપીએ ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા અને છેવટે સંપર્ક પણ તોડી નાંખ્યો હતો. પ્રજ્ઞેશને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવતા ગતરોજ ફરિયાદ નોધાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande