
- ગુલબર્ગ સોસાયટીની બહાર જ ઢીમ ઢાળી દીધુ
અમદાવાદ,02 જૂન (હિ.સ.) અમદાવાદ શહેરમાં હત્યા,લૂંટ અને ચોરીના બનાવોમાં કુબ વધારો થયો છે આજે પણ પૂર્વ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી ગુલબર્ગ સોસાયટીની બહાર જાહેર રોડ ઉપર એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે.
ધોળા દિવસે અને ભરચક જાહેર રસ્તા પર હત્યાનો આ સનસનીખેજ બનાવ બનતાની સાથે જ સમગ્ર વિસ્તારના નાગરિકોમાં ભારે ફફડાટ અને અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાસ્થળે લોકટોળાં ઉમટ્યાં, જાણે કે કાયદો-વ્યવસ્થાની કથળતી સ્થિતિ બની ગઈ છે.
મળતી પ્રાથમિક માહિતી મુજબ, મેઘાણીનગરના મુખ્ય માર્ગ પરથી પસાર થતાં નાગરિકોની નજર સામે જ આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને યુવકને મોતને ઘાટ ઉતારી દેવાતાં રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. ધોળા દિવસે આવી ગંભીર દુર્ઘટના ઘટતાં જ ઘટનાસ્થળે સ્થાનિક રહીશો અને રાહદારીઓના ટોળેટોળાં એકત્રિત થઈ ગયા હતા. જાહેર રોડ પર આ પ્રકારે બેખોફ બનીને હત્યાની ઘટનાને અંજામ અપાતા સ્થાનિક પોલીસના પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.
આ ઘાતકી હત્યા અંગેની જાણ થતાં જ મેઘાણીનગર પોલીસ મથકનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ટોળાંને વિખેરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ હત્યા કયા અંગત મનદુઃખ કે જૂની અદાવતના કારણે કરવામાં આવી છે અને આની પાછળ કયા અસામાજિક તત્વોનો હાથ છે, તેની સત્તાવાર વિગતો હજુ સામે આવી નથી. પોલીસ હાલ આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ