અમદાવાદમાં રાજસ્થાનથી આવેલી ખાનગી ટ્રાવેલ્સમાંથી 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનુ ઝડપાયું
- રાજ્ય વેરા ખાતાની મોબાઇલ સ્કવોડની ટીમને આ અંગેની બાતમી મળી હતી અમદાવાદ,02 જૂન (હિ.સ.) રાજ્ય વેરા ખાતાની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે. રાજ્ય વેરા ખાતાના મોબાઇલ સ્ક્વોડના દરોડામાં ખાનગી બસમાંથી 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું અ
120 kg silver, 700 grams gold seized from private travels from Rajasthan in Ahmedabad


- રાજ્ય વેરા ખાતાની મોબાઇલ સ્કવોડની ટીમને આ અંગેની બાતમી મળી હતી

અમદાવાદ,02 જૂન (હિ.સ.) રાજ્ય વેરા ખાતાની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે. રાજ્ય વેરા ખાતાના મોબાઇલ સ્ક્વોડના દરોડામાં ખાનગી બસમાંથી 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું અને કિંમતી પથ્થર જપ્ત કરવામાં આવ્યાં છે. અંદાજિત 4.25 કરોડનો માલસામાન જપ્ત કરવામાં આવ્યો છે. હાલ આ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

સ્ટેટ જીએસટી ની મોબાઇલ સ્કવોડ ટીમે ચોંકાવનારી કાર્યવાહી કરતા યોગ્ય દસ્તાવેજો વિના પરિવહન કરવામાં આવી રહેલા કરોડો રૂપિયાના કિંમતી માલસામાનને ઝડપી પાડ્યો છે. આ ઘટનાએ વેપાર વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.

અગાઉથી મળેલી બાતમીના આધારે મોબાઇલ સ્કવોડ ટીમે અમદાવાદના નારોલ પાસેથી ખાનગી લકઝરી બસોમાં અન્ય રાજયમાંથી આવેલી બસોનું ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન રાજસ્થાનથી આવેલી ખાનગી ટ્રાવેલ્સની ડેકીમાંથી આશરે 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું તેમજ 3 કિલો જેટલા કિંમતી પથ્થરોનો જથ્થો કબ્જે કર્યો હતો.

પ્રાથમિક તપાસમાં માલસામાનના પરિવહન માટે જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે. આ તમામ માલસામાનની કુલ અંદાજિત કિંમત રૂ. 4.25 કરોડ જેટલી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ સ્ટેટ જીએસટી તરફથી ગીતા મંદિર વિસ્તારમાંથી બસમાં લઇ જવામાં આવનાર 100 કિલો ચાંદીનો જથ્થો પકડી પાડયો હતો. ત્યાં વળી આજે નારોલ વિસ્તારમાંથી 120 કિલો ચાંદીનો જથ્થો તેમ જ 700 ગ્રામ સોનું અને 3 કિલો જેટલાં કિંમતી પથ્થરો ઝડપી પાડયાં છે. પ્લાસ્ટીકના થેલામાં રાખવામાં આવેલાં આ જથ્થાં અંગેના કોઇ જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાથી હાલ આ જથ્થો સ્ટેટ જીએસટીના અધિકારીઓએ કબ્જે લઇને માલ ક્યાં જવાનો હતો તથા સંભવિત કરચોરીના એંગલથી પણ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

રાજ્ય વેરા ખાતાના અધિકારીઓએ જણાવ્યું હતું કે કરચોરી અને ગેરકાયદેસર માલ પરિવહન સામે આવી પ્રકારની ઝુંબેશ આગામી સમયમાં પણ વધુ કડક બનાવવામાં આવશે અને કરચોરી રોકવા રાજય વેરા ખાતું કટિબધ્ધ છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande