
વોશિંગ્ટન, નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.). અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, દેશના હથિયારો અને સૈન્ય ઉપકરણોના ભંડારને મજબૂત કરવા માટે ડિફેન્સ પ્રોડક્શન એક્ટ (ડીપીએ) લાગુ કરી દીધો છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે ઈરાન સાથેના લાંબા સંઘર્ષ અને અન્ય વૈશ્વિક કટોકટીઓને કારણે અમેરિકી હથિયારોના ભંડારમાં ઘટાડો થવાની ચિંતાઓ વધી રહી છે.
11 જૂનના રોજ જાહેર કરાયેલા એક મેમોમાં ટ્રમ્પે, સંરક્ષણ મંત્રી પીટ હેગસેથને સંરક્ષણ ઉત્પાદન સાથે જોડાયેલા અવરોધોને દૂર કરવા અને સૈન્ય ઉદ્યોગ સાથે નવા કરારો તૈયાર કરવા નિર્દેશ આપ્યો હતો. ડિફેન્સ પ્રોડક્શન એક્ટ રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી ચીજવસ્તુઓ અને હથિયારોના ઉત્પાદનને પ્રાથમિકતા આપવાનો અધિકાર આપે છે.
આ દરમિયાન, ચીન અને પાકિસ્તાને મધ્ય પૂર્વમાં શાંતિ પ્રયાસોને આગળ વધારવા પર ભાર મૂક્યો છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યી અને પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી મોહમ્મદ ઈશાક ડાર વચ્ચે ટેલિફોન પર થયેલી વાતચીતમાં અમેરિકા-ઈરાન કરાર અને પ્રાદેશિક પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી.
ચીનના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને દેશોએ યુદ્ધવિરામ, શાંતિ વાટાઘાટોની પુનઃશરૂઆત, દરિયાઈ વેપાર માર્ગોની સુરક્ષા અને સંયુક્ત રાષ્ટ્રની ભૂમિકાને મજબૂત કરવાનું સમર્થન કર્યું હતું. ચીને પાકિસ્તાન સાથે વ્યૂહાત્મક સંકલન વધારવા અને ક્ષેત્રમાં શાંતિ સ્થાપવા માટે સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
બીજી તરફ, ઈરાને દક્ષિણ લેબનાનમાં તાજેતરના હુમલાઓ બાદ ઈઝરાયલને સૈન્ય જવાબ આપવાની ચેતવણી આપી છે. ઈરાની સૈન્ય કમાન્ડે આરોપ લગાવ્યો છે કે, ઈઝરાયલે યુદ્ધવિરામ કરારનું ઘણી વખત ઉલ્લંઘન કર્યું છે અને જો હુમલા બંધ નહીં થાય તો તેને આકરો જવાબ આપવામાં આવશે.
વિશ્લેષકોનું માનવું છે કે, ઈરાન સાથે લગભગ 15 અઠવાડિયા સુધી ચાલેલા સંઘર્ષ અને અન્ય સૈન્ય અભિયાનોને કારણે અમેરિકાને પોતાના હથિયારો અને મિસાઈલોના ભંડારને ફરીથી ભરવાની જરૂરિયાત અનુભવાઈ છે. આ જ કારણે ટ્રમ્પ વહીવટીતંત્ર સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન ક્ષમતા વધારવા અને સહયોગી દેશોને સૈન્ય પુરવઠો મર્યાદિત કરવાની નીતિ પર પણ વિચાર કરી રહ્યું છે.
અમેરિકી કોંગ્રેસ પણ મહત્વપૂર્ણ મિસાઈલ પ્રણાલીઓ અને સંરક્ષણ ઉપકરણોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે વધારાની નાણાકીય સહાય અને લાંબા ગાળાના કરારોને મંજૂરી આપવાની દિશામાં કામ કરી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે, આ પગલું ભવિષ્યમાં સંભવિત સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે અમેરિકાની સૈન્ય સજ્જતાને મજબૂત કરશે.
હિન્દુસ્થાન સમાચાર / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ