
નવી દિલ્હી, 22 જૂન (હિ.સ). મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ (એમએસઆઈએલ), ગુજરાતની 5 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (આઈટીઆઈ) માં અદ્યતન (એડવાન્સ્ડ) મેન્યુફેક્ચરિંગ લેબોરેટરીઝ સ્થાપિત કરશે.
મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ માટે કંપનીએ ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ નિયામક (ડીઈટી) સાથે એક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. આ એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ લેબોરેટરીઝ (એએમએલ) પાલનપુર, ભાવનગર, સુરેન્દ્રનગર, ગોધરા અને દાહોદની આઈટીઆઈમાં સ્થાપવામાં આવશે.
પેસેન્જર કાર ઉત્પાદક કંપની એમએસઆઈએલ ના વરિષ્ઠ કાર્યકારી અધિકારી (કોર્પોરેટ બાબતો) રાહુલ ભારતીએ જણાવ્યું હતું કે, અદ્યતન મેન્યુફેક્ચરિંગ લેબોરેટરીઝ દ્વારા અમે વિદ્યાર્થીઓને પ્રાયોગિક શિક્ષણ અને આધુનિક સાધનોના ઉપયોગની તાલીમ આપીશું. આનાથી એવા વ્યાવસાયિકો તૈયાર થશે જેઓ વિકસી રહેલા ઓટોમોટિવ વાતાવરણમાં સરળતાથી કામ કરી શકશે.
મારુતિ સુઝુકી ઈન્ડિયા હાલમાં દેશભરમાં ઉત્પાદન સાથે જોડાયેલી 31 આઈટીઆઈને સહયોગ આપી રહી છે. કંપનીએ દેશભરમાં 18 એએમએલ (એએમએલ) સ્થાપિત કર્યા છે. ગુજરાતમાં પાંચ નવા એએમએલ ઉમેરાયા બાદ, તે ગુજરાત, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, પંજાબ અને ચંદીગઢ સહિત સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 23 એએમએલનું સંચાલન કરશે. આ દેશની સૌથી મોટી પેસેન્જર કાર ઉત્પાદક કંપની છે, જે સ્થાનિક પેસેન્જર વ્હીકલ માર્કેટમાં આશરે 40 ટકા હિસ્સો ધરાવે છે. જાપાની કંપની 'સુઝુકી મોટર કોર્પોરેશન' ની આ પેટાકંપનીનું મુખ્ય મથક નવી દિલ્હીમાં આવેલું છે. મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ સસ્તી, ભરોસાપાત્ર અને ઇંધણ-કાર્યક્ષમ (ફ્યુઅલ-એફિશિયન્ટ) ગાડીઓ બનાવવા માટે જાણીતી છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ