સંઘર્ષનો અંત લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે: ઈરાની વિદેશ મંત્રી
તેહરાન/સ્વિટ્ઝર્લેન્ડ, નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.). ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્ચીએ જણાવ્યું છે કે, પાકિસ્તાન અને કતારની મધ્યસ્થતાથી પ્રાદેશિક સંઘર્ષનો અંત લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે, પરંતુ લેબનોનમાં યુદ્ધવિરામ (સીઝફાયર)નો અસરકારક અ
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્ચી


તેહરાન/સ્વિટ્ઝર્લેન્ડ, નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.). ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્ચીએ જણાવ્યું છે કે, પાકિસ્તાન અને કતારની મધ્યસ્થતાથી પ્રાદેશિક સંઘર્ષનો અંત લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે, પરંતુ લેબનોનમાં યુદ્ધવિરામ (સીઝફાયર)નો અસરકારક અમલ હજુ પણ સૌથી મોટી કસોટી બનેલો છે.

ઈરાનની સરકારી સમાચાર સંસ્થા પ્રેસટીવીએ અહેવાલ આપ્યો છે કે, સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જાહેર કરેલા નિવેદનમાં અરાક્ચીએ પાકિસ્તાન અને કતારની અથાક મધ્યસ્થતાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, સંઘર્ષનો અંત લાવવાની દિશામાં અનેક સકારાત્મક પગલાં લેવામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે તેલ અને પેટ્રોકેમિકલ નિકાસ સંબંધિત છૂટછાટો આપવામાં આવી છે, કેટલાક પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા છે અને પુનઃનિર્માણ તેમજ વિકાસ યોજનાઓ પર કામ શરૂ થયું છે. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ પ્રયાસોની વાસ્તવિક સફળતા લેબનોનમાં યુદ્ધવિરામના સંપૂર્ણ અમલીકરણ પર નિર્ભર રહેશે.

આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે સ્વિટ્ઝર્લેન્ડમાં ઉચ્ચ સ્તરીય ટેકનિકલ વાટાઘાટોનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. ઈરાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની ટિપ્પણીઓ અને ધમકીભર્યા નિવેદનો બાદ બહુપક્ષીય (ક્વાડ્રિલેટરલ) બેઠકો સ્થગિત કરવામાં આવી હતી, જો કે ટેકનિકલ સ્તરે વાતચીત ચાલુ રાખવા પર સહમતિ સધાઈ છે.

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ જણાવ્યું હતું કે, વાટાઘાટોનો મુખ્ય ઉદ્દેશ્ય અગાઉ થયેલા કરારોના અમલીકરણ અંગે ચર્ચા કરવાનો હતો. તેમણે કહ્યું કે યુદ્ધનો અંત અને પ્રાદેશિક સ્થિરતા વિના કોઈ અંતિમ કરાર પર પહોંચવું શક્ય બનશે નહીં. વાતચીતમાં ઈરાનના તેલ વેચાણ સંબંધિત સત્તાધિકાર, ફ્રીઝ કરાયેલા નાણાકીય સંસાધનોની મુક્તિ અને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી જહાજોની સુરક્ષિત અવરજવર જેવા મુદ્દાઓ પર પણ પ્રગતિ થઈ છે. તેમણે ઉમેર્યું કે ઈરાન અમેરિકી પ્રતિબદ્ધતાઓના અમલીકરણ પર બારીકાઈથી નજર રાખશે.

આ દરમિયાન, કતાર અને પાકિસ્તાને એક સંયુક્ત નિવેદન જાહેર કરીને વાટાઘાટોને સકારાત્મક અને રચનાત્મક ગણાવી હતી. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ભવિષ્યની ટેકનિકલ ચર્ચાઓ માટે સંસ્થાકીય માળખું વિકસાવવા અને રાજકીય દેખરેખ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવા પર સહમતિ સધાઈ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, લેબનોન સહિત તમામ મોરચે સૈન્ય કાર્યવાહી સમાપ્ત કરવા સંબંધિત શરતોના સંપૂર્ણ અમલીકરણ વિના અન્ય મુદ્દાઓ પર આગળ વધવું શક્ય બનશે નહીં.

બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપતા ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાકર ગાલિબાફે જણાવ્યું હતું કે દબાણ અને ધમકીઓથી ઈરાનની નીતિઓમાં કોઈ ફેરફાર થશે નહીં. તેમણે ચેતવણી આપી હતી કે ઈરાની સશસ્ત્ર દળો કોઈપણ પડકારનો સામનો કરવા માટે તૈયાર છે.

પ્રાદેશિક તણાવ વચ્ચે લેબનોનમાં યુદ્ધવિરામનું પાલન અને ઈરાન-અમેરિકા વાટાઘાટોની પ્રગતિ આગામી દિવસોમાં પશ્ચિમ એશિયાના રાજકારણનું મહત્વનું કેન્દ્ર બની રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande