
કાઠમંડુ, નવી દિલ્હી, 23 જૂન (હિ.સ.). કતરના રસ લાફાન ઔદ્યોગિક ક્ષેત્રમાં સ્થિત ગેસ ઉત્પાદન કેન્દ્રમાં રવિવારે થયેલા ભીષણ વિસ્ફોટમાં અનેક નેપાળી નાગરિકો પણ ઘાયલ થયા છે. આ વિસ્ફોટમાં 12 ભારતીય અને 1 પાકિસ્તાની નાગરિક સહિત કુલ 13 લોકોનાં મોત થયા હતા.
આ ભીષણ અકસ્માતમાં 66થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં નેપાળથી કામ કરવા ગયેલા લોકો પણ સામેલ હોવાનું જણાવાયું છે.
ઘાયલોમાં નેપાળી નાગરિકો ઉપરાંત કતાર, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, કેન્યા, ઘાના, તાન્ઝાનિયા અને નાઇજીરિયાના નાગરિકો સામેલ છે. તમામ ઘાયલોની સારવાર ચાલુ છે. જોકે, હજી સુધી ઘાયલોની નામાવલી જાહેર કરવામાં આવી નથી.
ગેસ પ્લાન્ટમાં થયેલા વિસ્ફોટથી થયેલા મોત અને ઘાયલો અંગેની માહિતી કતરના ઊર્જા મંત્રી સાદ અલ-કાબીએ આપી.
દોહામાં સ્થિત નેપાળી દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને રસ લાફાન ઘટનામાં કેટલાક નેપાળી નાગરિકો ઘાયલ થયાની માહિતી આપી. દૂતાવાસે જણાવ્યું છે કે કતાર પ્રશાસન તરફથી તેમને આ અંગે જાણકારી આપવામાં આવી હતી. જોકે દૂતાવાસે એ પણ સ્પષ્ટ કર્યું કે હજી સુધી ઘાયલોના નામોની માહિતી આપવામાં આવી નથી.
દૂતાવાસે કતરના અધિકારીઓને ટાંકીને જણાવ્યું કે, તમામ ઘાયલોની સ્થિતિ હાલમાં સ્થિર છે અને તેમને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે.
કતરના ઊર્જા મંત્રી સાદ અલ-કાબીએ આ ઘટનાને હુમલો નહીં પરંતુ અકસ્માત ગણાવ્યો છે. તેમણે કહ્યું, “આ એક અકસ્માત છે, કોઈ તોડફોડ અથવા શત્રુતાપૂર્ણ પ્રવૃત્તિ નથી.”
હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ