
ડલાસ, નવી દિલ્હી, 23 જૂન (હિ.સ.) ફિફા વર્લ્ડ કપ 2026માં અર્જેન્ટિનાએ પોતાના પ્રશંસકોનો વિશ્વાસ જાળવી રાખતાં ભારતીય સમયાનુસાર મંગળવારે ઑસ્ટ્રિયાને 2-0થી હરાવી નોકઆઉટ તબક્કામાં જગ્યા પાકી કરી લીધી. કૅપ્ટન લિયોનેલ મેસીએ બંને ગોલ કરીને ટીમને જીત અપાવી અને એકવાર ફરી મોટા મંચ પર પોતાની મહત્તા સાબિત કરી.
મેચ પહેલાં જ ડલાસ શહેર અર્જેન્ટિનાના રંગમાં રંગાઈ ગયું હતું. હજારો સમર્થકોએ પરંપરાગત બાંદેરાજો આયોજનમાં ભાગ લઈને શહેરને નીલા-સફેદ રંગે સજાવી દીધું હતું. મુકાબલાના દિવસે પણ સ્ટેડિયમમાં અર્જેન્ટિના સમર્થકોનો જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો.
મુકાબલાની શરૂઆતમાં અર્જેન્ટિનાને મોટો મોકો મળ્યો જ્યારે વીડિયો સમીક્ષા બાદ ટીમને પેનાલ્ટી આપવામાં આવી. જોકે મેસી આ તકને ગોલમાં ફેરવી શક્યા નહોતા અને તેમનો શોટ બહાર ગયો. આ વર્લ્ડ કપ 2022માં પોલેન્ડ સામે ચૂકી ગયેલી પેનાલ્ટી બાદ દેશ માટે તેમની પહેલી પેનાલ્ટી ચૂક હતી.
ત્યારબાદ ઑસ્ટ્રિયાએ થોડો સમય અર્જેન્ટિના પર દબાણ બનાવ્યું અને મુકાબલાને સંતુલિત રાખ્યો. પરંતુ 39મા મિનિટમાં અર્જેન્ટિનાએ સરસાઈ મેળવી. થિયાગો આલ્માડાએ ફાકુન્ડો મેડિનાના પાસને ચતુરાઈથી છોડ્યો અને બોલ મેસી સુધી પહોંચ્યો. મેસીએ સંતુલિત અંદાજમાં બોલને ગોલમાં પહોંચાડીને ટીમને 1-0ની સરસાઈ અપાવી.
બીજા હાફમાં ઑસ્ટ્રિયાએ વાપસીનો પ્રયાસ કર્યો અને એક ખતરનાક તક ઊભી કરી, પરંતુ ગોલરક્ષક એમિલિયાનો માર્ટિનેઝે શાનદાર બચાવ કર્યો.
અર્જેન્ટિનાને સરસાઈ વધારવાના અનેક મોકા મળ્યા, પરંતુ અંતિમ ક્ષણો સુધી બીજો ગોલ આવ્યો નહોતો. વધારાના સમયમાં ઑસ્ટ્રિયાની રક્ષણપંક્તિ બોલને સાફ કરી શકી નહોતી અને મેસીએ તકનો લાભ લઈને નજીકથી બીજો ગોલ કર્યો અને મુકાબલો સંપૂર્ણપણે પોતાના નામે કરી લીધો.
આ જીત સાથે અર્જેન્ટિનાએ નોકઆઉટ તબક્કામાં પ્રવેશ સુનિશ્ચિત કરી લીધો અને ડલાસ પહોંચેલા હજારો સમર્થકોને યાદગાર જીતનો જશ્ન મનાવવાનો મોકો મળ્યો.
હિંદુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ