
અમરેલી,03 જૂન (હિ.સ.) અમરેલી જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબીશનના ગુનાઓ સામે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત અમરેલી એલ.સી.બી.ને વધુ એક સફળતા મળી છે. સાવરકુંડલા તાલુકાના જુના સાવર ગામેથી ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL) અને બિયરનો જથ્થો સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ રૂ. 10,631ના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર રેન્જના આઈ.જી.પી. આર.વી. અસારી તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ-જુગારની બદી દૂર કરવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત અમરેલી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. વાઘેલાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી.
દરમિયાન મળેલી બાતમીના આધારે એલ.સી.બી. ટીમે જુના સાવર ગામના પ્લોટ વિસ્તારમાં દરોડો પાડી સુરેશ વિનુભાઈ કડેવાળ (ઉ.વ. 28)ને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી દમણ બનાવટની વિવિધ બ્રાન્ડની IMFL દારૂની 24 બોટલો તથા 24 ટીન બિયર મળી આવ્યા હતા. ઉપરાંત એક મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 10,631નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં હાર્દિક રાજેશભાઈ ધુડકિયા, હાલ રહે સુરત, નામના અન્ય એક આરોપીની સંડોવણી પણ સામે આવી છે, જે હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
પકડાયેલા આરોપી તથા જપ્ત કરાયેલ મુદ્દામાલને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ કામગીરીમાં એ.એસ.આઈ. યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઈ મકવાણા તથા હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ સરવૈયાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai