બાંગ્લાદેશનો બીએસએફ પર લોકોને ગેરકાયદેસર રીતે ધકેલવાનો આરોપ
ઢાકા, નવી દિલ્હી, 03 જૂન (હિ.સ.). બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી) એ, ભારતના મુખ્ય અર્ધલશ્કરી દળ ''સીમા સુરક્ષા બળ'' (બીએસએફ) પર આંતરરાષ્ટ્રીય સરહદ પર તણાવ વધારવાનો આરોપ લગાવ્યો છે. બીજીબીએ ભારત તરફથી કથિત રીતે લોકોને ધકેલવામાં આવવાને કારણે કડક વ
ભારત-બાંગ્લાદેશ બોર્ડર


ઢાકા, નવી દિલ્હી, 03 જૂન (હિ.સ.). બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી) એ, ભારતના મુખ્ય અર્ધલશ્કરી દળ 'સીમા સુરક્ષા બળ' (બીએસએફ) પર આંતરરાષ્ટ્રીય સરહદ પર તણાવ વધારવાનો આરોપ લગાવ્યો છે. બીજીબીએ ભારત તરફથી કથિત રીતે લોકોને ધકેલવામાં આવવાને કારણે કડક વલણ અપનાવ્યું છે. બીજીબીના પ્રવક્તા કર્નલ અબુ હસનત મોહમ્મદ મહમૂદ આઝમે જણાવ્યું હતું કે, સરહદના માર્ગે ગેરકાયદેસર રીતે દેશમાં ધકેલવામાં આવેલા કોઈપણ વ્યક્તિને સ્વીકારવામાં આવશે નહીં.

ઢાકા ટ્રિબ્યુનની રિપોર્ટ અનુસાર, બીજીબી મુખ્યાલયના ઉપ મહાનિર્દેશક અને દળના પ્રવક્તા કર્નલ અબુ હસનત મોહમ્મદ મહમૂદ આઝમે જણાવ્યું હતું કે, જો ધકેલવામાં આવેલો કોઈ પણ વ્યક્તિ બાંગ્લાદેશી નાગરિકતાનો દાવો કરે છે, તો આંતરરાષ્ટ્રીય નિયમો અને પ્રક્રિયા અનુસાર નિર્ધારિત ચોકીઓ દ્વારા ઓળખ ચકાસણી પછી જરૂરી પગલાં લેવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બીજીબી સરહદ પર કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. લોકોને ધકેલવાની ઘટનાઓમાં વધારાને કારણે બકરીદ દરમિયાન ઘણા કર્મચારીઓની રજા પણ રદ કરી દેવામાં આવી હતી.

તેમણે કહ્યું કે, છેલ્લા દિવસોમાં જેસોર સરહદ પર બીજીબીએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. આ ઘટના રવિવારે મોડી રાતની છે. જેસોરના શારશા ઉપ-જિલ્લા હેઠળના બેનાપોલ સરહદી વિસ્તારમાં કાંટાળા તારની વાડમાં બનેલા એક ગેટના માર્ગે 10 મહિલાઓ, પુરુષો અને બાળકોને બાંગ્લાદેશમાં ધકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આના પર બીજીબીએ હસ્તક્ષેપ કરીને આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. દળના પ્રવક્તા આઝમે જણાવ્યું હતું કે આ લોકો હવે બેનાપોલ સરહદ નજીક સાદીપુર ગામમાં બોમ્બેતોલા પાસેની 'ઝીરો લાઇન' (નો મેન્સ લેન્ડ) પર ફસાયેલા છે.

બીજીબીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ મુદ્દાના સમાધાન માટે એક પત્ર મોકલવામાં આવ્યો હતો, પરંતુ ભારતીય સીમા સુરક્ષા બળે સોમવાર સાંજ સુધી કોઈ જવાબ આપ્યો ન હતો. તેમણે આરોપ લગાવ્યો કે, બંગાળી બોલતા વ્યક્તિઓને સરહદ વ્યવસ્થાપનની માન્ય આંતરરાષ્ટ્રીય પ્રક્રિયાનું પાલન કર્યા વિના બાંગ્લાદેશમાં ધકેલવાના આરોપો કોઈ નવી વાત નથી. છેલ્લા એક મહિનામાં આવી ઘટનાઓમાં વધારો થયો છે. જેસોર 49 બીજીબી બટાલિયનના કમાન્ડર લેફ્ટનન્ટ કર્નલ ગુલામ મોહમ્મદ સૈફુલ આલમ ખાને જણાવ્યું હતું કે, 10 વ્યક્તિઓ હજુ પણ ભારત-બાંગ્લાદેશ સરહદની ઝીરો લાઇન પર હાજર છે. તેમણે આરોપ લગાવ્યો કે, મે મહિનામાં સરહદના ઘણા વિસ્તારોમાંથી આવા આરોપો સામે આવ્યા કે બંગાળી બોલતા લોકોને ગેરકાયદેસર પ્રવાસીઓ અથવા બાંગ્લાદેશી ઘૂસણખોરો ગણાવીને બાંગ્લાદેશમાં ધકેલવામાં આવી રહ્યા છે.

તેમણે કહ્યું કે, ઈદ-ઉલ-અઝહા પહેલા 24 મેથી આમાં તેજી આવી. સતખીરામાં અલગ-અલગ સરહદી ચોકીઓ પરથી 100થી વધુ મહિલાઓ, પુરુષો અને બાળકોને કથિત રીતે બાંગ્લાદેશ તરફ ધકેલવામાં આવ્યા. ઘૂસણખોરીના પ્રયાસના શકમાં ધોલા સરહદી વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં 50થી વધુ લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા. મે મહિનાના અંતમાં ચુઆડાંગામાં દર્શના સરહદ પર કથિત રીતે અંદર ધકેલવાના એક પ્રયાસ દરમિયાન 10 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા. બીજીબીના અધિકારીઓએ જણાવ્યું કે સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ અને દેખરેખ વધારી દેવામાં આવી છે. વધારાના કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ગુપ્તચર ગતિવિધિઓને તેજ કરવામાં આવી છે. સાથે જ સરહદી સમુદાયોને દેખરેખના પ્રયાસોમાં સામેલ કરવામાં આવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર /મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande