
ભાવનગર,03 જૂન (હિ.સ.) ભારતીય રેલ્વેની મુસાફર સેવા અને માનવીય સંવેદનશીલતાનું એક પ્રેરણાદાયક ઉદાહરણ ત્યારે જોવા મળ્યું, જ્યારે ગાડી નંબર 11466 જબલપુર–સોમનાથ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલી એક ગર્ભવતી મહિલાએ ચાલતી ટ્રેનમાં જ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. રેલ્વે કર્મચારીઓની તત્પરતા, સહમુસાફરોના સહયોગ અને વિવિધ વિભાગો વચ્ચેના ઉત્તમ સમન્વયના પરિણામે પ્રસૂતિ સુરક્ષિત રીતે સંપન્ન થઈ. હાલમાં માતા અને નવજાત બંને સ્વસ્થ છે અને વિરમગામની હોસ્પિટલમાં તેમની સારવાર તથા તબીબી દેખરેખ ચાલુ છે.
02 જૂન, 2026ના રોજ અમદાવાદથી વેરાવળ જતી એક ગર્ભવતી મહિલા મુસાફર, જે કોચ નંબર S-2માં પોતાના પતિ સાથે મુસાફરી કરી રહી હતી, તેને અમદાવાદ સ્ટેશન પરથી ટ્રેન રવાના થયાના થોડા સમય બાદ અચાનક પ્રસૂતિની પીડા શરૂ થઈ. મહિલાના પતિ અને અન્ય મુસાફરો દ્વારા આ અંગેની જાણ ફરજ પરના ટિકિટ નિરીક્ષક (TTE) રામજીવન કુમારને કરવામાં આવી.
માહિતી મળતાં જ રામજીવન કુમારે વિલંબ કર્યા વિના ભાવનગર મંડળના વાણિજ્ય નિયંત્રણ કચેરીને પરિસ્થિતિથી અવગત કરાવી અને તાત્કાલિક રેલ્વેની બેડશીટ ઉપલબ્ધ કરાવી. આ દરમિયાન ચાંદલોડિયા સ્ટેશન પસાર થયા બાદ પ્રસૂતિની પીડા વધુ વધતાં કોચમાં હાજર મહિલા સહમુસાફરોએ અત્યંત સંવેદનશીલતા અને સાહસ દર્શાવી ગર્ભવતી મહિલાને મદદ કરી. તેમના સહયોગથી ચાલતી ટ્રેનમાં જ સુરક્ષિત પ્રસૂતિ કરાવવામાં આવી અને મહિલાએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો.
ઘટનાની જાણ થતાં જ રેલ્વે પ્રશાસને જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી. વિરમગામ સ્ટેશન પર પૂર્વ આયોજન મુજબ તબીબી સહાયતા અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. મહિલાના પતિની સંમતિ મળ્યા બાદ માતા અને નવજાતને સુરક્ષિત રીતે ટ્રેનમાંથી ઉતારી એમ્બ્યુલન્સ મારફતે વિરમગામની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
તબીબોની તપાસ બાદ જણાવાયું કે માતા અને નવજાત બંનેની સ્થિતિ સામાન્ય અને સ્વસ્થ છે. સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ફરજ પરના TTE શ્રી રામજીવન કુમારે માનવીય સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં મહિલા અને તેના પરિવારજનો માટે જરૂરી તમામ મદદ ઉપલબ્ધ કરાવી તેમજ ચા-પાણીની વ્યવસ્થા પણ કરાવી. તેમની તત્પરતા અને કર્તવ્યનિષ્ઠાની મુસાફરો દ્વારા પ્રશંસા કરવામાં આવી.
મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ આ સરાહનીય કાર્ય માટે સંબંધિત કર્મચારીઓ, ખાસ કરીને ફરજ પરના TTE રામજીવન કુમાર તથા સહયોગ આપનાર મહિલા મુસાફરોની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે રેલ્વે માત્ર મુસાફરોને તેમના ગંતવ્યસ્થાને પહોંચાડવાનું માધ્યમ જ નથી, પરંતુ જરૂરિયાતના સમયે તેમની સાથે ઉભી રહેતી એક સંવેદનશીલ સંસ્થા પણ છે. તેમણે કર્મચારીઓને ભવિષ્યમાં પણ આ જ રીતે મુસાફરોની મદદ અને સેવા માટે હંમેશા તત્પર રહેવા પ્રોત્સાહિત કર્યા. મુસાફર પરિવારએ રેલ્વે પ્રશાસન, ફરજ પરના સ્ટાફ તથા સહયોગ આપનાર સહમુસાફરો પ્રત્યે આભાર વ્યક્ત કરતાં તેમની ત્વરિત મદદ અને માનવીય વ્યવહારની પ્રશંસા કરી.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ