શાળા પરિસરમાં પુસ્તક વેચાણનો વિવાદ: સુરતની મેરી માતા સ્કૂલ સામે DEOની તપાસ શરૂ
સુરત, 03 જૂન (હિ.સ.) : સુરતની મેરી માતા પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી મોંઘા ભાવે પાઠ્યપુસ્તકો વેચાતા હોવાના આક્ષેપો વચ્ચે નવો વિવાદ ઉભો થયો છે. વાલીઓનો દાવો છે કે શાળા પરિસરની અંદર જ પુસ્તક વેચાણ માટે સ્ટોલ ગોઠવવામાં આવ્યો હતો અને તેમન
Surat


સુરત, 03 જૂન (હિ.સ.) : સુરતની મેરી માતા પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી મોંઘા ભાવે પાઠ્યપુસ્તકો વેચાતા હોવાના આક્ષેપો વચ્ચે નવો વિવાદ ઉભો થયો છે. વાલીઓનો દાવો છે કે શાળા પરિસરની અંદર જ પુસ્તક વેચાણ માટે સ્ટોલ ગોઠવવામાં આવ્યો હતો અને તેમને ત્યાંથી જ પુસ્તકો ખરીદવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દબાણ કરવામાં આવતું હતું. ધોરણ-6 માટે પુસ્તકોના સેટની કિંમત રૂ. 5,000થી વધુ અને ધોરણ-9 માટે આશરે રૂ. 1,800થી વધુ વસૂલાત થતી હોવાનો આક્ષેપ છે.

વાલીઓએ જણાવ્યું કે શિક્ષણ વિભાગના નિયમો મુજબ શાળા કેમ્પસમાં પુસ્તકો અથવા અન્ય શૈક્ષણિક સામગ્રીનું વેચાણ કરવાની મંજૂરી નથી, છતાં અહીં ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવતું હતું. ઘણા વાલીઓએ આર્થિક બોજ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેઓ મજબૂરીમાં આ પુસ્તકો ખરીદી રહ્યા છે. કેટલાક વાલીઓએ ફી અને અન્ય ચુકવણીઓ માટે પણ દબાણ થતું હોવાનો આક્ષેપ કર્યો છે.

આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. વીડિયોમાં મોટી સંખ્યામાં વાલીઓની ભીડ અને શાળા પરિસરમાં ચાલતું પુસ્તક વેચાણ જોવા મળતાં લોકોમાં નારાજગી ફેલાઈ હતી. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા વર્તુળોમાં પણ ખાનગી શાળાઓની આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈને સુરત જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) ભગીરથસિંહ પરમારે તપાસના આદેશ આપ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, જો તપાસ દરમિયાન નિયમોના ભંગ અને વાલીઓ પર દબાણ કરવાના આક્ષેપો સાચા સાબિત થશે તો શાળા સામે કાયદેસર અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષણ વિભાગની ટીમ ટૂંક સમયમાં સમગ્ર ઘટનાની તપાસ કરીને અહેવાલ રજૂ કરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande