
બોટાદ, 03 જૂન (હિ.સ.) : બોટાદથી સાળંગપુર અને બરવાળાને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો, સ્થાનિક રહેવાસીઓ તેમજ યાત્રાળુઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ગ પર અનેક સ્થળોએ મોટા અને ઊંડા ખાડા પડી ગયા હોવાથી વાહનો હંકારવા મુશ્કેલ બની ગયા છે. ખાસ કરીને રાત્રિના સમયે અને વરસાદી વાતાવરણમાં અકસ્માતની શક્યતાઓ વધી જતી હોવાનું લોકો જણાવી રહ્યા છે. સાળંગપુર ખાતે આવેલા પ્રસિદ્ધ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં રોજબરોજ ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી હજારો હરિભક્તો દર્શનાર્થે આવે છે. આવા સંજોગોમાં યાત્રાળુઓ માટે આ માર્ગ મુખ્ય જીવનરેખા સમાન છે. પરંતુ રસ્તાની ખરાબ સ્થિતિને કારણે મુસાફરીનો સમય વધી જાય છે અને વાહનોને નુકસાન પણ પહોંચે છે. નાના વાહનોથી લઈને બસ અને ભારે વાહનોના ચાલકો પણ માર્ગની હાલત અંગે વારંવાર ફરિયાદો કરી રહ્યા છે.
આ માર્ગ માત્ર ધાર્મિક પ્રવાસન માટે જ નહીં પરંતુ બોટાદથી અમદાવાદ જવા-આવવા માટે પણ મહત્વપૂર્ણ માર્ગ ગણાય છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો રોજગાર, વેપાર-ધંધા, શિક્ષણ અને અન્ય કામો માટે આ માર્ગનો ઉપયોગ કરે છે. તેમ છતાં લાંબા સમયથી માર્ગના સમારકામ અંગે કોઈ અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી નથી તેવી સ્થાનિકોની ફરિયાદ છે.
સ્થાનિક નાગરિકો, વેપારીઓ અને યાત્રાળુઓએ તંત્ર સમક્ષ માર્ગનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ ઉઠાવી છે. લોકોનું કહેવું છે કે જો સમયસર માર્ગનું નવીનીકરણ કરવામાં નહીં આવે તો અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ શકે છે. તેથી સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક સર્વે કરી જરૂરી મરામત અને પુનઃનિર્માણની કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકમાગ ઉઠી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA