
પોરબંદર, 03 જૂન (હિ.સ.)ફટાણાના માથાભારે શખ્સે નિવૃત્ત આર્મીમેનના ઘરમાં ચોરીની કોશિશ કરી હતી. અગાઉ અનેક વખત અનેક ગુન્હાઓમાં સંડોવાઇ ચૂકેલા શખ્સે ફરી પોત પ્રકાશતા વધુ એક ગુન્હો દાખલ થયો છે. પોરબંદરના મજીવાણા ખાતે પી.જી.વી.સી.એલ. કચેરીમાં સીકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા નિવૃત્ત આર્મીબેન અમૃતભાઇ વાલજીભાઇ બોરીચા ઉ.વ.53 દ્વારા એવા પ્રકારની પોલીસ ફરિયાદ બગવદર પોલીસમાં નોંધાવાઇ છે કે, તે અને તેના પત્ની શાંતિબેન તા.2-6ના સવારે 11 વાગ્યે મકાનના રૂમ અને ડેલાને તાળુ દઇને તેના સસરાના ઘરે ગામમાંજ હવન હોવાથી ત્યાં ગયા હતા અને બપોરે બાર વાગ્યે કુટુંબી સાળા જેઠા કરશન બથવાર કે જે તેના ઘરની સામે જ રહે છે તેણે ફોન કરીને જણાવ્યુ હતુ કે ‘આપણા ગામનો મહેશ ઉર્ફે ભદો રામા બથવાર તમારા મકાનનો ડેલો ટપીને ઘરવખરી ફંફોળી રહ્યો છે.”
જેથી ફરીયાદી અમૃતભાઇ તથા તેના પત્ની શાંતિબેન અને સાળો માલદે સોમા બથવાર તાત્કાલિક ત્યાં ઘરે આવ્યા હતા એ દરમ્યાન મહેશ ડેલાની દીવાલ ટપીને તળાવની પાળ વારા રસ્તે ભાગી ગયો હતો. આથી ફરિયાદીએ ઘરનું તાળુ ખોલીને અંદર તપાસતા ઓસરીનું તાળુ દેખાયુ ન હતુ અને દરવાજો ખુલ્લો હતો.તથા ઘરવખરીનો સરસામાન વેરવિખેર હતો. પેટીસેટીના ખાના ખુલ્લા હતા પરંતુ કોઇ ચીજવસ્તુની ચોરી થઈ ન હતી. આમ છતાં જનરક્ષક 112 માં ફોન કરીને પોલીસને બોલાવી હતી ત્યારબાદ અમૃતભાઈ બોરીચાએ બગવદર પોલીસમથક ખાતે જઇને મહેશ ઉર્ફે ભદો રામા બથવાર સામે ચોરી કરવાના ઇરાદે તાળુ તોડી સરસામાન વેરવિખેર કરી ચોરી કરવાની કોશિશ કર્યાનો ગુન્હો અને નાશી ગયાનું જણાવ્યુ છે.
મહત્વની બાબત એ છે કે, આ રામા બથવાર સામે મારામારી, ધાકધમકી સહિત અઢળક ગુન્હાઓ અગાઉ દાખલ થઇ ચૂકયા છે અને હવે ચોરીની કોશિશનો વધુ એક ગુન્હો દાખલ થયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya