
- 500થી વધુ ઝાડા-ઉલટીના કેસ, 30થી 40 લોકો હોસ્પિટલમાં દાખલ.
અમદાવાદ, 03 જૂન (હિ.સ.) : અમદાવાદ પશ્ચિમના ઘાટલોડિયા વિસ્તારમાં અને ગોતા વોર્ડમાં દૂષિત પાણીથી રોગચાળો ફાટી નીકળ્યો. ગોતા વોર્ડમાં આવતા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં ઝાડા-ઉલટીના કેસોમાં રાફ્ટો ફાટ્યો છે. એકસાથે 500થી વધુ ઝાડા ઉલટીના કેસો સામે આવતાં લોકોમાં રોષ ફેલાયો છે. સ્થિતિ એવી વણસી છે કે સોસાયટીની બે મહિલાને 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ ખસેડવી પડી છે. સાથે જ આસપાસની ખાનગી હોસ્પિટલમાં પણ 30થી 40 લોકો દાખલ છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનનું પીવાનું પાણી અને ગટરનું પાણી મિક્સ થતા લોકો બીમાર પડ્યા છે.
સ્થિતિની ગંભીરતા જોઈ મેયર હિતેશ બારોટ પણ આકાંક્ષા ફ્લેટ દોડી આવ્યા હતા. તેમણે સ્થાનિકો સાથે વાતચીત કરી સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવા માટે આશ્વાસન આપ્યું હતું.
ઘાટલોડિયા વિસ્તારમાં અને ગોતા વોર્ડમાં આવેલા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં શુક્રવારથી પીવાના પાણી મિક્સ થવાના કારણે રોગચાળો ફેલાયો છે. સ્થાનિક સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ અંદાજે 500 લોકો ઝાડા ઉલટીના કારણે બીમાર થયા છે. ચાર દિવસથી લોકો બીમાર છે છતાં પણ કોઈ અધિકારી કે નેતા જોવા માટે આવ્યા નથી અમારે બહારથી પાણીના બાટલા મંગાવીને લાવવા પડે છે.
આકાંક્ષા ફ્લેટના સેક્રેટરી સનદભાઈએ જણાવ્યું હતું કે, હું આખી ઘટનાની શરૂઆત શુક્રવારથી ચાલુ થયેલી છે.શુક્રવારે સોસાયટીમાં રહીશોએ કમ્પ્લેન કરી હતી, સોસાયટી ઓફિસમાં ચેરમેન-સેક્રેટરીને કે પાણીમાં કંઈક ગડબડ છે. ચેરમેન-સેક્રેટરી પાણી ચેકિંગ કરવા માટે ગયા અને વાત સાચી નીકળી કે ગટરનું પાણી મિક્સ થયેલું છે. તાત્કાલિક ચેરમેન-સેક્રેટરીએ પાણી પુરવઠા વિભાગમાં જાણ કરી. પાણી પુરવઠા વિભાગવાળાએ કીધું કે પાણી બધું ઓલરાઇટ છે, કોઈ કમ્પ્લેન નથી.
આ શનિવાર સવારની વાત છે. શનિવાર સવારની વાત અમને જાણ કરવામાં આવી કે બધું ઓલરાઇટ છે.
શનિવારે બપોરે અમે એએમસી ને જાણ કરી, એએમસી એ કીધું કે બધું ઓલરાઇટ છે, ક્યાંય કમ્પ્લેન નથી. રાત દરમિયાન અમને ખ્યાલ પડ્યો કે જનતાનગર પાસે કોઈ ભંગાણ પડેલું છે અને ત્યાં આગળ પાણી મિક્સિંગ થયેલું છે. નર્મદાનું પાણી અને ગટરનું પાણી. તેની જાણ કરવામાં આવે છે.
વધુમાં સનદ કેસુરે જણાવ્યું હતું કે, શનિવારે અમે જાણ કરીએ છીએ ત્યાં સુધી કોઈ એક્શન લેવાતી નથી, સાઇટ ઉપર કોઈ એએમસીના અધિકારી નથી. પણ જેવી અમે જાણ કરીએ છીએ, ત્યાર પછી રાત દરમિયાન 12થી 1ની વચ્ચે હજુ બી કામ ચાલે છે અને સવારમાં લગભગ 3 વાગ્યે એ કામનું કમ્પ્લીશન થાય છે.
રવિવાર સવારે જાણ કરવામાં આવે છે કે ભાઈ કામ પૂરું થયું છે, તેમ છતાં જે પાણી આવે છે સોસાયટીની અંદર રવિવારે, એમાં બી દુર્ગંધ આવતી હોય છે. પણ હા, એ કામ અમારી જાણ કર્યા પછી અમને જે જાણ છે એ પ્રમાણે AMC અધિકારીઓને જાણ નહોતી. અમે જાણ કર્યા પછી કામ હાથમાં લેવામાં આવ્યું છે અને કામ શનિવારે રાતે 12 વાગ્યે અથવા તો 2-3 વાગ્યાની આસપાસ કમ્પ્લીટ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ મનપાના મેયર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા સ્થાનિક રહીશોને તાત્કાલિક ધોરણે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ખાતરી આપવામાં આવી છે. મેયર હિતેશ બારોટ ઘાટલોડીયાના આકાંક્ષા એપાર્ટમેન્ટ ખાતે પહોંચ્યા છે. સ્થાનિક રહીશો સાથે તેમણે વાતચીત કરી છે.
આકાંક્ષા એપાર્ટમેન્ટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની મેડિકલ ટીમ બોલાવવામાં આવી છે. ફ્લેટમાં રહેતા સ્થાનિક રહીશોની તપાસ કરવામાં આવી રહી છે.4થી 5 ડોક્ટરોની ટીમ બોલાવી અને અત્યારે હાલમાં તમામ સ્થાનિક રહીશોની તપાસ કરવામાં આવી રહી છે. સ્થાનિકોને ઝાડા અને ઉલટીની ફરિયાદ છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ