વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે આઈટીઆઈ અમરેલીમાં નિબંધ સ્પર્ધા, વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન
અમરેલી, 03 જૂન (હિ.સ.) વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે સરકારી આઈ.ટી.આઈ. અમરેલી ખાતે વિદ્યાર્થીઓમાં વ્યસનમુક્તિ અંગે જાગૃતિ લાવવાના હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત તમાકુને કહો ના, જિંદગીને કહો હા વિષય પર નિબંધ સ્પર
વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે ITI અમરેલીમાં નિબંધ સ્પર્ધા, વિજેતા


અમરેલી, 03 જૂન (હિ.સ.) વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે સરકારી આઈ.ટી.આઈ. અમરેલી ખાતે વિદ્યાર્થીઓમાં વ્યસનમુક્તિ અંગે જાગૃતિ લાવવાના હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત તમાકુને કહો ના, જિંદગીને કહો હા વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ તમાકુ અને અન્ય વ્યસનોના દૂષણો, આરોગ્ય પર થતી અસર અને વ્યસનમુક્ત જીવનના મહત્વ અંગે પોતાના વિચારો નિબંધ સ્વરૂપે રજૂ કર્યા હતા. સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓમાં માદલીયા સુહાનીએ પ્રથમ સ્થાન, વેગડા ડિમ્પલે દ્વિતીય સ્થાન તથા ધંધુકિયા મીતે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

સરકારી આઈ.ટી.આઈ. અમરેલી ખાતે જાહેર આરોગ્ય કચેરી, અમરેલીના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહક ઇનામો અર્પણ કરવામાં આવ્યા હતા, જેથી વિદ્યાર્થીઓમાં સકારાત્મક પ્રેરણા જળવાઈ રહે.

કાર્યક્રમ દરમિયાન સંસ્થાના ફોરમેન ઇન્સ્ટ્રક્ટરશ્રીએ વિદ્યાર્થીઓને પાન, મસાલા, ગુટખા, માવો સહિતના તમાકુજન્ય વ્યસનોના નુકસાન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને સ્વસ્થ અને વ્યસનમુક્ત જીવનશૈલી અપનાવવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં તમાકુ અને અન્ય વ્યસનો પ્રત્યે જાગૃતિ લાવી સ્વસ્થ, નિરોગી અને વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે પ્રેરણા આપવાનો હતો. કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં વ્યસનમુક્તિ અંગે સકારાત્મક સંદેશ પહોંચાડવામાં સફળતા મળી હોવાનું આચાર્યશ્રી, સરકારી આઈ.ટી.આઈ. અમરેલી દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande