મહુવાના કંટાસર ગામમાં દીપડાના હુમલામાં પાંચ વર્ષની બાળકીનું કરુણ મોત
ભાવનગર, 03 જૂન (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કંટાસર ગામમાં દીપડાના હુમલાની અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં પાંચ વર્ષની માસૂમ દિવ્યા ઓધાભાઈ ગોહિલનું મોત નીપજતાં સમગ્ર ગામમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે. મળતી માહિતી મુજબ, દિવ્
ભાવનગર


ભાવનગર, 03 જૂન (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કંટાસર ગામમાં દીપડાના હુમલાની અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં પાંચ વર્ષની માસૂમ દિવ્યા ઓધાભાઈ ગોહિલનું મોત નીપજતાં સમગ્ર ગામમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે.

મળતી માહિતી મુજબ, દિવ્યા તેના પિતા ઓધાભાઈ ગોહિલ સાથે બગીચામાં રમી રહી હતી. તે દરમિયાન અચાનક એક દીપડો ત્યાં આવી ચડ્યો અને કોઈને કશું સમજાય તે પહેલાં બાળકી પર હુમલો કરી તેને ઉપાડી ગયો હતો. ઘટનાની ઝડપ એટલી વધુ હતી કે પરિવારજનો અને આસપાસના લોકો કોઈ પ્રતિક્રિયા આપી શકે તે પહેલાં જ દીપડો બાળકીને લઈને જંગલ તરફ ભાગી ગયો હતો.

બાળકી ગુમ થતાં જ પરિવારજનો, ગ્રામજનો અને સ્થાનિક લોકોએ તેની શોધખોળ શરૂ કરી હતી. લાંબી શોધખોળ બાદ બગીચા નજીકથી દિવ્યાનો મૃતદેહ મળી આવ્યો હતો. દીપડાના હુમલાના કારણે તેના શરીર પર ગંભીર ઈજાઓ જોવા મળી હતી. આ દ્રશ્ય જોઈ પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા, જ્યારે સમગ્ર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી કાંતસર અને આસપાસના વિસ્તારોમાં દીપડાની અવરજવર જોવા મળી રહી હતી. અનેક વખત વન વિભાગને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પૂરતી કાર્યવાહી ન થતાં આજે આવી દુર્ઘટના સર્જાઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ઘટનાના પગલે ગ્રામજનોએ વન વિભાગ પાસે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવાની માંગ કરી છે.

ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. દીપડાને પકડવા માટે ગામ તથા આસપાસના વિસ્તારોમાં પાંજરાં ગોઠવવામાં આવ્યા છે અને વનકર્મીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. વન વિભાગે જણાવ્યું છે કે જવાબદાર દીપડાને વહેલી તકે પકડી લેવા માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય અને ગ્રામજનોમાં સુરક્ષાની ભાવના ઉભી થઈ શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande