
નવી દિલ્હી, 03 જૂન (હિ.સ.). વૈશ્વિક બજારમાંથી આજે મિશ્ર સંકેતો મળી રહ્યા છે. અમેરિકી બજાર પાછલા સત્ર દરમિયાન વધારા સાથે બંધ થયા હતા. જોકે, ડાઉ જોન્સ ફ્યુચર્સ આજે નજીવા ઘટાડા સાથે સપાટ સ્તરે કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. યુરોપિયન બજારમાં પણ પાછલા સત્ર દરમિયાન ખરીદી થતી રહી. જ્યારે એશિયન બજારમાં આજે મિશ્ર કારોબાર થઈ રહ્યો છે.
અમેરિકી બજાર પાછલા સત્ર દરમિયાન તીવ્ર ઉતાર-ચઢાવનો સાક્ષી બન્યું. એનવીડીયા, મારવેલ, ટેસ્લા અને એપલના સ્ટોકમાં આવેલી તેજીને કારણે અમેરિકી બજારે શરૂઆતી કારોબાર દરમિયાન મોટી વૃદ્ધિ મેળવી હતી, પરંતુ ઈરાન સાથે તણાવ વધવાના સમાચાર આવતા જ વોલ સ્ટ્રીટમાં વેચવાલી શરૂ થઈ ગઈ. જોકે, કારોબારના અંતિમ સમયે થયેલી વેચવાલીને કારણે વોલ સ્ટ્રીટના સૂચકાંકો પર વધુ અસર થઈ નહીં.
ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 228.91 અંક એટલે કે 0.45 ટકાના વધારા સાથે 51,307.79 અંકના સ્તરે બંધ થયું. આ જ રીતે, એસ એન્ડ પી 500 ઇન્ડેક્સે 0.13 ટકાની તેજી સાથે 7,609.78 અંકના સ્તરે પાછલા સત્રના કારોબારનો અંત કર્યો. આ ઉપરાંત, નાસ્ડેક 0.03 ટકાની નજીવી મજબૂતી સાથે 27,093.90 અંકના સ્તરે બંધ થયું. જ્યારે ડાઉ જોન્સ ફ્યુચર્સ આજે હાલમાં 0.01 ટકાની સાંકેતિક નબળાઈ સાથે 51,304.56 અંકના સ્તરે કારોબાર કરતું જોવા મળી રહ્યું છે.
યુરોપિયન બજારમાં પણ પાછલા સત્ર દરમિયાન તેજીનો માહોલ રહ્યો. એફટીએસઈ ઇન્ડેક્સ 0.33 ટકાની મજબૂતી સાથે 10,373.51 અંકના સ્તરે બંધ થયું. આ જ રીતે, સીએસી ઇન્ડેક્સે 0.76 ટકા ઉછળીને 8,209.09 અંકના સ્તરે પાછલા સત્રના કારોબારનો અંત કર્યો. આ ઉપરાંત, ડીએએક્સ ઇન્ડેક્સ 0.48 ટકાના વધારા સાથે 25,124.17 અંકના સ્તરે બંધ થયું.
એશિયન બજારમાં આજે મિશ્ર કારોબાર થતો જોવા મળી રહ્યો છે. એશિયાના નવ બજારોમાંથી ચારના સૂચકાંકો મજબૂતી સાથે લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યા છે, જ્યારે ત્રણ સૂચકાંકો ઘટાડા સાથે લાલ નિશાનમાં રહ્યા છે. દક્ષિણ કોરિયા અને થાઈલેન્ડના સ્ટોક એક્સચેન્જમાં રજા હોવાને કારણે કોસ્પી ઇન્ડેક્સ અને સેટ કમ્પોઝિટ ઇન્ડેક્સમાં આજે કોઈ ફેરફાર થયો નથી.
ગિફ્ટ નિફ્ટી આજે હાલમાં 202.50 અંક એટલે કે 0.86 ટકાની નબળાઈ સાથે 23,290 અંકના સ્તરે કારોબાર કરી રહ્યું છે. આ જ રીતે, હેંગ સેંગ ઇન્ડેક્સ 446.32 અંક એટલે કે 1.74 ટકા ગગડીને 25,592 અંકના સ્તર સુધી પહોંચી ગયું છે. જ્યારે જકાર્તા કમ્પોઝિટ ઇન્ડેક્સ આજે 249.17 અંક એટલે કે 4.02 ટકાના જબરદસ્ત ઘટાડા સાથે 5,946.26 અંકના સ્તર સુધી ઘટી ગયું છે.
બીજી તરફ, સ્ટ્રેટ્સ ટાઇમ્સ ઇન્ડેક્સ 0.75 ટકાની મજબૂતી સાથે 5,135.50 અંકના સ્તરે કારોબાર કરી રહ્યું છે. આ જ રીતે, શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.56 ટકા ઉછળીને 4,097.94 અંકના સ્તરે પહોંચ્યું છે. નિક્કેઈ ઇન્ડેક્સે આજે મોટી છલાંગ લગાવી છે. હાલમાં આ સૂચકાંક 1,937.76 અંક એટલે કે 2.90 ટકાના ઉછાળા સાથે 68,672 અંકના સ્તરે આવી ગયું છે. આ જ રીતે, તાઈવાન વેઈટેડ ઇન્ડેક્સ હાલમાં 916.98 અંક એટલે કે 2.01 ટકાના વધારા સાથે 46,474.29 અંકના સ્તરે કારોબાર કરતું જોવા મળી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ