
નવી દિલ્હી, 03 જૂન (હિ.સ.). ભારતીય જનસંચાર સંસ્થા (આઈઆઈએમસી) એ, શૈક્ષણિક સત્ર 2026-27 માટે એમએ અને પીજી ડિપ્લોમા કાર્યક્રમોમાં પ્રવેશ માટે ઈ-કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ઈચ્છુક ઉમેદવારો 7 જૂન સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકે છે, જ્યારે પ્રથમ સીટ ફાળવણી 9 જૂને જાહેર કરવામાં આવશે.
આઈઆઈએમસી એ આ વર્ષે ત્રણ નવા એમએ કાર્યક્રમોની શરૂઆત કરી છે જેમાં હેલ્થ કોમ્યુનિકેશન, મીડિયા એન્ડ કોમ્યુનિકેશન ગવર્નન્સ તથા કોર્પોરેટ કોમ્યુનિકેશન એન્ડ બ્રાન્ડ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે. આ સાથે જ સંસ્થા હવે તેના છ કેમ્પસમાં કુલ છ એમએ કાર્યક્રમોનું સંચાલન કરશે.
બુધવારે સંસ્થાના પ્રવેશ પ્રભારી અને પરીક્ષા નિયંત્રક પ્રો. રાકેશ કુમાર ગોસ્વામીએ જણાવ્યું કે, તમામ એમએ અને પીજી ડિપ્લોમા કાર્યક્રમોમાં પ્રવેશ, ફક્ત ઈ-કાઉન્સેલિંગ દ્વારા કરવામાં આવશે. સંસ્થાના ચાર પરંપરાગત પીજી ડિપ્લોમા કાર્યક્રમો- અંગ્રેજી પત્રકારત્વ, હિન્દી પત્રકારત્વ, રેડિયો અને ટેલિવિઝન પત્રકારત્વ તથા જાહેરાત અને જનસંપર્ક પણ આ વર્ષે ઉપલબ્ધ રહેશે.
એમએ કાર્યક્રમોમાં પ્રવેશ માટે ઉમેદવારો પાસે ઓછામાં ઓછા 55 ટકા ગુણ સાથે સ્નાતક ડિગ્રી અને સીયુઈટી-પીજી (સીઓકયુપી-17) માં માન્ય સ્કોર હોવો જરૂરી છે. જ્યારે, પીજી ડિપ્લોમા અભ્યાસક્રમો માટે સ્નાતક ડિગ્રી સાથે સીયુઈટી-પીજી સ્કોર ફરજિયાત છે.
પસંદ કરાયેલા ઉમેદવારોને પ્રવેશ માટે 20 હજાર રૂપિયાની સીટ સ્વીકૃતિ ફી જમા કરાવવી પડશે. સંસ્થાએ ઉમેદવારોને અરજી કરતા પહેલા પ્રવેશ સૂચના અને પ્રોસ્પેક્ટસ ધ્યાનપૂર્વક વાંચવા તથા પોતાની પસંદગીઓ કાળજીપૂર્વક ભરવાની સલાહ આપી છે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ