ઇન્સ્ટાગ્રામની લાલચભરી જાહેરાત પડી ભારે, સુરતના દંપતી સાથે છેતરપિંડી
સુરત, 03 જૂન (હિ.સ.): સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા એક આઈટી પ્રોફેશનલ અને તેમની પત્ની સોશિયલ મીડિયા પર દેખાયેલી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાની જાહેરાતના ઝાંસામાં આવી ગયા હતા. ઇન્સ્ટાગ્રામ પર માધવ કન્સલ્ટન્ટ નામની આઈડી દ્વારા લાઇસન્સ ઝડપથી બનાવી આપવા
Fraud


સુરત, 03 જૂન (હિ.સ.): સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા એક આઈટી પ્રોફેશનલ અને તેમની પત્ની સોશિયલ મીડિયા પર દેખાયેલી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાની જાહેરાતના ઝાંસામાં આવી ગયા હતા. ઇન્સ્ટાગ્રામ પર માધવ કન્સલ્ટન્ટ નામની આઈડી દ્વારા લાઇસન્સ ઝડપથી બનાવી આપવાનો દાવો કરવામાં આવ્યો હતો. જાહેરાતમાં આપેલા નંબર પર સંપર્ક કર્યા બાદ, અજાણ્યા વ્યક્તિએ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરાવી આપવાની ખાતરી આપી હતી.

લાઇસન્સ માટે કુલ રૂ. 6,000 ખર્ચ થશે તેમ કહી ઠગે જરૂરી દસ્તાવેજો વોટ્સએપ મારફતે મંગાવ્યા હતા. થોડા દિવસ બાદ તેણે લર્નિંગ લાઇસન્સની નકલ વોટ્સએપ પર મોકલી અને પ્રથમ હપ્તા તરીકે રૂ. 3,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ આરટીઓમાં કામ ઝડપથી પૂર્ણ કરાવવાના બહાને બાકીના રૂ. 3,000 પણ ક્યુઆર કોડ મારફતે પડાવી લીધા હતા.

સમય પસાર થવા છતાં કાયમી ડ્રાઇવિંગ લાઇસન્સ ન મળતાં દંપતીને શંકા ગઈ હતી. અનેક વખત સંપર્ક કરવાનો પ્રયાસ કરવા છતાં સંતોષકારક જવાબ ન મળતા તેમણે મળેલું લર્નિંગ લાઇસન્સ જાણકાર મિત્રને ચકાસવા આપ્યું હતું. તપાસમાં સામે આવ્યું કે, લાઇસન્સ સંપૂર્ણપણે નકલી હતું અને તેની સામે કોઈ સરકારી ફી પણ ભરવામાં આવી નહોતી.

છેતરપિંડીનો ભોગ બન્યાનું સ્પષ્ટ થતાં, યુવકે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા આરોપી સામે છેતરપિંડી અને સાયબર ગુનાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. હાલ સમગ્ર મામલાની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande