
જુનાગઢ, 03 જૂન (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના ખેડુતોને આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા વાવણી કરવાની અપીલ કરવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિ માત્ર ખેતી ખર્ચ ઘટાડતી નથી, પરંતુ જમીનની ફળદ્રુપતા જાળવી રાખી પાક ઉત્પાદનની ગુણવત્તામાં વધારો કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બદલાતી આબોહવા અને ખેતી ખર્ચમાં સતત વધારા વચ્ચે પ્રાકૃતિક કૃષિ ખેડૂતો માટે ટકાઉ અને નફાકારક વિકલ્પ બની રહી છે.
પ્રાકૃતિક કૃષિમાં વાવણી પહેલા બીજામૃતનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બીજામૃત દ્વારા બીજને વિવિધ રોગો અને ફૂગના હુમલાથી રક્ષણ મળે છે તેમજ અંકુરણ ક્ષમતામાં વધારો થાય છે. વાવણી પહેલાં ખેતરમાં જીવામૃત અને ઘન જીવામૃતનો ઉપયોગ કરવાથી જમીનમાં રહેલા લાભદાયી સૂક્ષ્મજીવો સક્રિય બને છે, જેના કારણે પાકને કુદરતી રીતે પોષણ મળે છે.
ચોમાસા દરમિયાન ખેતરમાં પાકના અવશેષો, સૂકું ઘાસ અથવા અન્ય જૈવિક પદાર્થો પાથરવાથી જમીનનું ધોવાણ અટકે છે, ભેજ લાંબા સમય સુધી ટકી રહે છે અને નીંદણનું પ્રમાણ પણ ઘટે છે. વધુ વરસાદની સ્થિતિમાં ખેતરમાં પાણી ભરાઈ ન રહે તે માટે યોગ્ય નિકાલ વ્યવસ્થા કરવી પણ જરૂરી છે.
ખેડૂતોએ પોતાના વિસ્તારની જમીન અને હવામાનને અનુરૂપ પાકોની પસંદગી કરવી જોઈએ. મગફળી, કપાસ, સોયાબીન, તુવેર સહિતના ચોમાસુ પાકોમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ સફળતાપૂર્વક અપનાવી શકાય છે. સાથે સાથે આંતરપાક અને મિશ્રપાક પદ્ધતિ અપનાવવાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને જીવાતો તથા રોગોનું પ્રમાણ ઘટે છે.
પ્રાકૃતિક કૃષિના અનેક ફાયદાઓ છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકો પરનો ખર્ચ ઘટે છે, જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણવત્તામાં સુધારો થાય છે તથા પાક વધુ તંદુરસ્ત બને છે. પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત અનાજ, ફળ અને શાકભાજીમાં હાનિકારક રાસાયણિક અવશેષો ન હોવાથી તે માનવ સ્વાસ્થ્ય માટે વધુ સુરક્ષિત ગણાય છે.
આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ જમીનમાં કાર્બનિક તત્ત્વોનું પ્રમાણ વધારી પાણી સંગ્રહ ક્ષમતામાં વધારો કરે છે. પરિણામે ઓછા વરસાદ અથવા વરસાદના લાંબા વિરામ દરમિયાન પણ પાકને ભેજ મળી રહે છે. આબોહવા પરિવર્તનના સમયમાં આવી પદ્ધતિ ખેડૂતો માટે વધુ સુરક્ષિત અને ટકાઉ ખેતી બની રહે છે.
કૃષિ વિભાગના આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ, માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ખેડૂતો આગામી ચોમાસાની વાવણીમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી ખેતી ખર્ચ ઘટાડવા, જમીનની ફળદ્રુપતા જાળવવા અને વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવામાં મદદરૂપ બની શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ