
જુનાગઢ 03 જૂન (હિ.સ.) પ્રકૃતિના ખોળે વસેલું જૂનાગઢ માત્ર ઐતિહાસિક ધરોહર માટે જ નહીં, પરંતુ યુવા ઊર્જા, સાંસ્કૃતિક વૈભવ અને સાહસિક પરંપરાઓના સંગમ તરીકે પણ આગવી ઓળખ ધરાવે છે. રાજ્ય સરકારના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, જૂનાગઢ દ્વારા સમાજના દરેક વર્ગ સુધી કલા, સંસ્કૃતિ, યુવા વિકાસ અને રાષ્ટ્રીય મૂલ્યોને પહોંચાડવા માટે વિવિધ આયામોમાં સર્જનાત્મક અને પ્રેરણાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.
વિભાગની કામગીરી અંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી એન. ડી. વાળા જણાવે છે કે, સંસ્કૃતિ, યુવા, ઉજવણી અને સાહસ એમ ચાર સ્તંભોને કેન્દ્રમાં રાખીને સમાજમાં પ્રતિભાને પાંખો આપવા સાથે યુવાનોમાં વ્યક્તિત્વ વિકાસ અને રાષ્ટ્રપ્રેમના સંસ્કારોનું સિંચન કરે છે.
સંસ્કૃતિ શાખા અંતર્ગત કોઈપણ વ્યક્તિમાં રહેલી કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક પ્રતિભાને ઉજાગર કરવા માટે અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. રાજ્યસ્તરીય કલા મહાકુંભ, લોકપરંપરાની ઝાંખી કરાવતા નવરાત્રી રસ-ગરબા, બાળ નૃત્ય-નાટિકા, બાલ પ્રતિભા શોધ, તેમજ વિવિધ કલાપ્રેમી અને કલાકારોને આર્થિક સહાય જેવી યોજનાઓ દ્વારા કલાને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ પ્રવૃત્તિઓ માત્ર સ્પર્ધા પૂરતી સીમિત નથી રહેતી, પરંતુ સમાજમાં સર્જનાત્મકતા અને સાંસ્કૃતિક ચેતનાનો દીપ પ્રગટાવે છે.
યુથ અને સાહસ શાખા દ્વારા યુવાઓમાં શારીરિક ક્ષમતા, નેતૃત્વ અને પ્રકૃતિ પ્રત્યેની સંવેદના વિકસે તે હેતુસર વિશેષ કાર્યક્રમો યોજાય છે. વિશ્વવિખ્યાત ગરવા ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું ભવ્ય આયોજન દર વર્ષે બે તબક્કામાં કરવામાં આવે છે. પ્રથમ તબક્કે રાજ્યકક્ષાની સ્પર્ધામાં ગુજરાતભરના યુવાનો ભાગ લે છે, જેમાં પ્રથમ આવનાર ખેલાડીને ૫૦ હજારનો પુરસ્કાર આપવામાં આવે છે જ્યારે બીજા તબક્કે રાષ્ટ્રીય સ્તરે ભારતના વિવિધ રાજ્યોમાંથી ખેલાડીઓ આ સાહસિક પડકાર સ્વીકારવા જૂનાગઢની ધરા પર પોતાના યૌવનનું ખમીર ખરા અર્થમાં સાર્થક કરવા આવી પહોંચે છે. રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થનાર સ્પર્ધકને રૂ. ૧ લાખનો પુરસ્કાર આપવામાં આવે છે.
આ સ્પર્ધામાં રાજ્યકક્ષાની સ્પર્ધામાં કુલ ૮.૪૦ લાખ અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં કુલ રૂ. ૧૯ લાખની ઇનામી રકમ આપવામાં આવે છે. કુલ ૧ થી ૧૦ નંબર પ્રાપ્ત કરનારને ક્રમશ: પ્રોત્સાહન ઇનામી રકમ દ્વારા તેમનામાં રહેલી કળાને વધુ ઊંચાઈઓ પર લઈ જવાનો પ્રયાસ કરવામાં આવે છે .
આ ઉપરાંત ૮ થી ૧૩ વર્ષના બાળકો માટે સાત દિવસીય ખડક ચઢાણ કોર્ષનું આયોજન કરવામાં આવે છે, જેમાં બાળકો પ્રકૃતિની નજીક રહી સ્વાનુશાસન, આત્મનિર્ભરતા અને જંગલ-પર્યાવરણ અંગે પ્રાથમિક જ્ઞાન મેળવે છે. ગિરનારને પ્લાસ્ટિક મુક્ત રાખવા અંગે જાગૃતિ પણ આવા કોર્ષમાં આપવામાં આવે છે.
તે જ રીતે ૧૫ થી ૩૬ વર્ષના યુવાઓ માટે દસ દિવસીય બેઝિક એડવેન્ચર કોર્ષ, યોગાસન શિબિરો અને વ્યક્તિત્વ વિકાસલક્ષી કાર્યક્રમો દ્વારા યુવા પેઢીને શારીરિક અને માનસિક રીતે સશક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
ઉજવણી શાખા દ્વારા વિવિધ રાષ્ટ્રીય દિવસોની ભવ્ય ઉજવણી, મહાનુભાવોની જન્મજયંતિઓ અને વિશેષ પ્રસંગોએ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. દેશ-વિદેશથી આવતા મહાનુભાવોને ગુજરાતની સમૃદ્ધ કલા અને પરંપરાથી માહિતગાર કરવા માટે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
વિભાગ દ્વારા ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિને સમરસતા દિવસ તરીકે ઉજવી સમાજમાં સમાનતા અને સામાજિક એકતાનો સંદેશ આપવામાં આવે છે. ઉપરાંત વિશ્વ યોગ દિવસ નિમિત્તે જૂન મહિના દરમિયાન યોગ કાર્યક્રમોનું આયોજન વિભાગ દ્વારા કરવામાં આવે છે .
જૂનાગઢની સાંસ્કૃતિક ઓળખને વધુ જીવંત બનાવવા માટે વર્ષ દરમિયાન ગિરનાર અને નરસિંહ મહેતા સરોવર જેવા જાહેર સ્થળોએ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને ઉમંગ ઉત્સવ દ્વારા દિવ્યાંગ બાળકોમાં રહેલી કલાત્મક પ્રતિભાને મંચ પૂરું પાડી તેમને આત્મવિશ્વાસ અને ઓળખ આપવાનો અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવે છે.
સાથે સાથે છેલ્લા ઘણા વર્ષોથી નરસિંહ મહેતા જન્મજયંતિની ઉજવણી દ્વારા ભક્તિ, સાહિત્ય અને સંસ્કૃતિના મૂલ્યોને નવી પેઢી સુધી પહોંચાડવાનું કાર્ય પણ કરવામાં આવે છે.
યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, જૂનાગઢની વિવિધ પહેલો માત્ર કાર્યક્રમો પૂરતી મર્યાદિત નથી, પરંતુ યુવાનોમાં સંસ્કાર, શિસ્ત, સાહસ અને સર્જનાત્મકતાના બીજ વાવી સમાજ ઘડતરના શિલ્પી તરીકે કાર્યરત છે. ગિરનારની ગોદમાં ઉગતી આ યુવા ઊર્જા અને સંસ્કૃતિનો સંગમ, આવનારી પેઢી માટે પ્રેરણાનું જીવંત કેન્દ્ર બની રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ