ભચાઉ નજીક વહેલી સવારે ટ્રકમાં ભીષણ આગ: ફાયર બ્રિગેડની કલાકભરની જહેમત બાદ સ્થિતિ કાબૂમાં
કચ્છ, 03 જૂન (હિ.સ.) : કચ્છના ભચાઉ નજીક આજે બુધવારે વહેલી પરોઢે ચાર વાગ્યાના અરસામાં એક ટ્રક પલટી ખાઈ જતાં તેમાં આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. જૂના કટારિયા વિસ્તાર પાસે બનેલી આ ઘટનામાં ટ્રકની કેબિન સહિત ડીઝલની ટાંકી અને આગળના બંને ટાયરો આગની ઝપેટમાં
ભચાઉ તાલુકાના કટારિયા પાસે ટ્રકમાં આગ


ભચાઉ તાલુકાના કટારિયા પાસે ટ્રકમાં આગ


કચ્છ, 03 જૂન (હિ.સ.) : કચ્છના ભચાઉ નજીક આજે બુધવારે વહેલી પરોઢે ચાર વાગ્યાના અરસામાં એક ટ્રક પલટી ખાઈ જતાં તેમાં આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. જૂના કટારિયા વિસ્તાર પાસે બનેલી આ ઘટનામાં ટ્રકની કેબિન સહિત ડીઝલની ટાંકી અને આગળના બંને ટાયરો આગની ઝપેટમાં આવી જતા ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, સવારે અંદાજે ચાર વાગ્યાના અરસામાં 112 ઇમરજન્સી સેવા મારફતે ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમને અકસ્માત અંગે જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થળ પર પહોંચતા જાણવા મળ્યું કે પલટી ગયેલા ટ્રકની કેબિનમાં આગ ભભૂકી રહી હતી અને આગ ડીઝલની ટાંકી સુધી ફેલાઈ ગઈ હતી. સાથે જ ટ્રકના આગળના બંને ટાયર પણ સળગી રહ્યા હતા.

આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે તે માટે પોલીસ અને પેટ્રોલિંગ ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. સુરક્ષાના ભાગરૂપે માર્ગની એક બાજુ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવી હતી જેથી બચાવ અને આગ બુઝાવવાની કામગીરી સરળતાથી કરી શકાય.

ફાયર બ્રિગેડના જવાનોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આશરે એક કલાકની અથાગ મહેનત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. સમયસર હાથ ધરાયેલી કામગીરીને કારણે આગ આસપાસના વિસ્તારમાં ફેલાતી અટકાવી શકાઈ હતી અને વધુ નુકસાન ટળ્યું હતું.

આ બચાવ અને આગ બુઝાવવાની કામગીરીમાં ટીમ લીડર પ્રવીણ દાફડા સાથે કુલદીપભાઈ અને શક્તિસિંહે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની સતર્કતા અને ઝડપી કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande