
કચ્છ, 03 જૂન (હિ.સ.) : ભચાઉ શહેરમાં જાહેર સ્થળે જુગાર રમતા તત્વો સામે પોલીસે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. ભચાઉ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નવા બસ સ્ટેશન પાછળ આવેલા સ્મશાનઘાટ નજીક દરોડો પાડી તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા બે વ્યક્તિઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.
જિલ્લામાં જુગાર અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓને નાથવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત ભચાઉ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે ખાનગી બાતમી મળી હતી કે સ્મશાનઘાટની ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જુગાર રમવામાં વ્યસ્ત છે. બાતમીના આધારે પોલીસની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે સ્થળ પરથી મિત શામજીભાઈ રાજપુત (ઉંમર 21 વર્ષ), રહેવાસી જલારામ સોસાયટી, ભચાઉ તથા હરેશપુરી રઘુપુરી ગોસ્વામી (ઉંમર 47 વર્ષ), રહેવાસી હિંમતપુરા વિસ્તાર, ભચાઉને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી જુગારની રકમ તરીકે કુલ રૂ. 11,050 રોકડા મળી આવ્યા હતા, જે કબ્જે લેવામાં આવ્યા છે.
આ બનાવ અંગે ભચાઉ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેર અને તાલુકામાં જુગાર, પ્રોહિબિશન તથા અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે.
આ સમગ્ર ઓપરેશન ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ અને પોલીસ કર્મચારીઓ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar