
કચ્છ, 03 જૂન (હિ.સ.): ભચાઉ પોલીસને સજા વોરંટના એક આરોપીને ઝડપી પાડવામાં મહત્વની સફળતા મળી છે. જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ સામે ચાલી રહેલી કાર્યવાહી અંતર્ગત ભચાઉ પોલીસ દ્વારા એક આરોપીને શોધી કાઢી તેની ધરપકડ કરીને પાલારા જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
પૂર્વ કચ્છ પોલીસ તંત્ર દ્વારા ફરાર અને વોન્ટેડ આરોપીઓ સામે કડક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ દરમિયાન ભચાઉ પોલીસ સ્ટાફ વિસ્તારના પેટ્રોલિંગ દરમિયાન હતો ત્યારે ખાનગી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગાંધીધામ સ્થિત અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા ફોજદારી કેસ નં. 4774/2023માં જારી કરાયેલા સજા વોરંટ હેઠળ વોન્ટેડ આરોપી સામત દેવશીભાઈ રબારી ભચાઉની ઓળખ કરવામાં આવી હતી.
પોલીસે ઝડપી અને ચોક્કસ કાર્યવાહી કરીને આરોપીને કાબૂમાં લીધો હતો. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આરોપીને પાલારા જિલ્લા જેલ, ભુજ ખાતે હવાલે કરવામાં આવ્યો હતો.
જિલ્લામાં ગુનેગારો અને સજા વોરંટના આરોપીઓ સામે પોલીસ દ્વારા સતત સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભચાઉ પોલીસની આ કામગીરીથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે તેમજ ફરાર આરોપીઓ સામે પોલીસની કડક કાર્યવાહીનો સ્પષ્ટ સંદેશો પણ પહોંચ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar