
કચ્છ, 03 જૂન (હિ.સ.) : ભુજ ખાતે કાર્યરત ક.વી.ઓ. જૈન મહાજન અને શ્રી સર્વ સેવા સંઘ (કચ્છ) દ્વારા સમાજહિત માટે ચલાવવામાં આવતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવા કચ્છ જિલ્લા પંચાયતના નવ નિયુક્ત ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજા સંસ્થાના સંકુલની મુલાકાતે પહોંચ્યા હતા. મુલાકાત દરમિયાન તેમણે સંસ્થા દ્વારા વર્ષોથી નિષ્ઠાપૂર્વક આપવામાં આવતી આરોગ્ય, શિક્ષણ અને સામાજિક કલ્યાણ સંબંધિત સેવાઓની વિસ્તૃત માહિતી મેળવી હતી.
સંસ્થાના આગેવાનો દ્વારા ઉપપ્રમુખશ્રીને વિવિધ વિભાગોની કામગીરીથી અવગત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓ માટે ચલાવવામાં આવતી “મહાજનનું મામેરું” યોજના અંગેની વિગતો રજૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવે છે અને તેમને જરૂરી સહાય પણ પૂરી પાડવામાં આવે છે. અત્યાર સુધીમાં આ યોજનાના માધ્યમથી 278થી વધુ દીકરીઓના લગ્ન સફળતાપૂર્વક અને સન્માનપૂર્વક સંપન્ન કરાવવામાં આવ્યા હોવાનું જાણીને ઉપપ્રમુખશ્રીએ સંસ્થાના પ્રયાસોની પ્રશંસા વ્યક્ત કરી હતી.
મહાવીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સમાજના વંચિત અને જરૂરિયાતમંદ વર્ગ સુધી સેવા પહોંચાડવાના આવા પ્રયાસો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે સંસ્થાની વિવિધ લોકકલ્યાણકારી પ્રવૃત્તિઓને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવી હતી.
મુલાકાતના અંતે ક.વી.ઓ. જૈન મહાજન ભુજ અને શ્રી સર્વ સેવા સંઘ (કચ્છ) ભુજના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડાના હસ્તે ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજાનું શાલ ઓઢાડી તેમજ સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ તેમને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
સંસ્થાની સેવાભાવી કામગીરી અને સમાજપ્રતિની પ્રતિબદ્ધતા અંગેની આ મુલાકાતે ઉપસ્થિત સૌમાં ઉત્સાહનું વાતાવરણ સર્જ્યું હતું તેમજ ભવિષ્યમાં પણ આવા લોકકલ્યાણકારી કાર્યોને વધુ વેગ મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar