
કચ્છ, 03 જૂન (હિ.સ.) : કચ્છ જિલ્લામાં પોતાના વાહન માટે વિશિષ્ટ અને યાદગાર નોંધણી નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકો માટે સારા સમાચાર છે. પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO) ભુજ દ્વારા અગાઉ ફાળવણી વગર બાકી રહેલા ગોલ્ડન અને સિલ્વર શ્રેણીના પસંદગીના નંબરો માટે ફરીથી ઇ-ઓક્શન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ પહેલથી ટુ-વ્હીલરથી લઈને કાર, થ્રી-વ્હીલર, ટ્રાન્સપોર્ટ તેમજ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા વિશેષ વાહનોના માલિકોને પોતાની પસંદનો નંબર મેળવવાની તક મળશે.
આગામી 12 જૂન, 2026ના રોજ સાંજે 4 વાગ્યાથી ઓનલાઇન નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ થશે. અરજદારો 14 જૂન, 2026ના રોજ સાંજે 4 વાગ્યા સુધી ઓનલાઇન અરજી કરી શકશે. ત્યારબાદ એ જ દિવસે ઇ-ઓક્શનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, જે 16 જૂન, 2026ના રોજ સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે. સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન હોવાથી અરજદારોને કચેરીના ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં.
આ હરાજીમાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર પેસેન્જર વાહનો, એલએમવી કાર, ટ્રાન્સપોર્ટ વાહનો તેમજ સ્પેશિયલ વ્હીકલ અને કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ શ્રેણીના વાહનો માટે પસંદગીના નંબરો ઉપલબ્ધ કરાવવામાં આવશે. ખાસ કરીને 0001, 0007, 0009, 0099, 9999 જેવા આકર્ષક નંબરો માટે વાહન માલિકોમાં હંમેશા ભારે રસ જોવા મળતો હોય છે.
ફી માળખાની વાત કરીએ તો ગોલ્ડન શ્રેણીના નંબરો માટે ટુ-વ્હીલર વાહનોને રૂ. 8,000 અને અન્ય તમામ પ્રકારના વાહનો માટે રૂ. 40,000ની ફી ચૂકવવી પડશે. જ્યારે સિલ્વર શ્રેણીના નંબરો માટે ટુ-વ્હીલર વાહનો માટે રૂ. 3,500 અને અન્ય વાહનો માટે રૂ. 15,000ની ફી નક્કી કરવામાં આવી છે.
RTO તંત્ર દ્વારા વાહન માલિકોને સૂચના આપવામાં આવી છે કે, તેઓએ પ્રથમ પોતાના વાહનનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરાવવું જરૂરી રહેશે. ત્યારબાદ જ પસંદગીના નંબર માટે અરજી કરી શકાશે. ઇચ્છુક અરજદારો કેન્દ્ર સરકારની વાહન પોર્ટલ પર ઓનલાઇન અરજી કરીને ઇ-ઓક્શનમાં ભાગ લઈ શકશે.
આ નવી હરાજીથી કચ્છના વાહનચાલકોને પોતાના વાહનને અનોખી ઓળખ આપવાનો વધુ એક અવસર પ્રાપ્ત થયો છે. ફેન્સી નંબર પ્રત્યે વધતા ક્રેઝને ધ્યાનમાં રાખીને RTO દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીથી મોટી સંખ્યામાં અરજીઓ મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar