




કચ્છ, 03 જૂન (હિ.સ.) : કચ્છના સંવેદનશીલ દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા આજે વિશેષ સર્ચ અને ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતના દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવાના હેતુથી ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.
મરીન ટાસ્ક ફોર્સના જખૌ સેક્ટરે ડીવાયએસપી આર. એમ. ચૌધરીના નેતૃત્વમાં દરિયાઈ તટીય વિસ્તારોમાં વ્યાપક પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધર્યું હતું. આ અભિયાન દરમિયાન સિંધોડી બીચ, સૈયદ સુલેમાન વિસ્તાર, ભારત સોલ્ટ અને શિયાળબારી સુધીના દરિયાકાંઠાના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા. મરીન કમાન્ડોની ટીમે વિવિધ સ્થળોએ પહોંચી શંકાસ્પદ હલચલ, અજાણી બોટો તેમજ અન્ય સંદિગ્ધ પ્રવૃત્તિઓ પર નજર રાખી હતી. ચેકિંગ દરમિયાન માછીમારો અને સ્થાનિક લોકોને દરિયાઈ સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને દરિયા માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, ડ્રગ્સની હેરાફેરી, શંકાસ્પદ વ્યક્તિઓ અને અજાણી બોટોની જાણ તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને કરવા અપીલ કરવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક લોકો વચ્ચે સહયોગ વધે તે માટે જાગૃતિ લાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
તાજેતરના વૈશ્વિક તણાવ અને યુદ્ધજન્ય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને દરિયામાંથી તણાઈને કિનારે આવી શકે તેવા જહાજોના અવશેષો, બોટોના ભાગો, મિસાઈલ સહિતના યુદ્ધમાં વપરાતા સાધનો અંગે પણ લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા. આવા કોઈ પણ શંકાસ્પદ પદાર્થો જોવા મળે તો તેને સ્પર્શ ન કરવા અને તાત્કાલિક પોલીસ અથવા સુરક્ષા તંત્રને જાણ કરવાની સૂચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત હાલ દરિયો તોફાની હોવાના કારણે દરિયાકાંઠે બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટો અથવા અન્ય શંકાસ્પદ સામગ્રી તણાઈને આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. મરીન કમાન્ડોએ સ્થાનિકો અને માછીમારોને આવી પરિસ્થિતિમાં વધુ સતર્ક રહેવા તેમજ કોઈપણ શંકાસ્પદ વસ્તુ અંગે તુરંત જાણ કરવા અપીલ કરી હતી.
મરીન ટાસ્ક ફોર્સના આ વિશેષ અભિયાનથી કચ્છના દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થા વધુ સજ્જ બનશે તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ લાવવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar