પૂર્વ કચ્છમાં ઘૂસણખોરો સામે પોલીસ દ્વારા મેગા એક્શન, 35 શંકાસ્પદો રડારમાં
કચ્છ, 03 જૂન (હિ.સ.) : પૂર્વ કચ્છમાં ગેરકાયદેસર વસવાટ કરનારાઓ સામે પોલીસનું સઘન અભિયાન, 35 શંકાસ્પદ વ્યક્તિઓને અટકાયત કરી દસ્તાવેજોની તપાસ શરૂ કરવામાં આવી છે. પૂર્વ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા અને ખોટા દસ્તાવેજોના આધારે ઓળખ છુપાવનાર લ
પોલીસે રાઉન્ડઅપ કરેલા વ્યક્તિઓ


પોલીસે રાઉન્ડઅપ કરેલા વ્યક્તિઓ


કચ્છ, 03 જૂન (હિ.સ.) : પૂર્વ કચ્છમાં ગેરકાયદેસર વસવાટ કરનારાઓ સામે પોલીસનું સઘન અભિયાન, 35 શંકાસ્પદ વ્યક્તિઓને અટકાયત કરી દસ્તાવેજોની તપાસ શરૂ કરવામાં આવી છે. પૂર્વ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા અને ખોટા દસ્તાવેજોના આધારે ઓળખ છુપાવનાર લોકો સામે પોલીસ દ્વારા વ્યાપક ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવેલા નિર્દેશોને અનુસરીને જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં વિશેષ તપાસ કામગીરી ચલાવવામાં આવી રહી છે. આ અભિયાન દરમિયાન પોલીસે અલગ-અલગ સ્થળોએ દરોડા અને ચકાસણી કરીને આશરે 35 શંકાસ્પદ વ્યક્તિઓને અટકાયત કરી તેમની ઓળખ અને દસ્તાવેજોની ખરાઈ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

તાજેતરમાં રાજ્યભરમાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો તેમજ નકલી ઓળખપત્રોના આધારે વસવાટ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના અનુસંધાનમાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વિવિધ રહેણાંક વિસ્તારો, મજૂર વસાહતો અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

પૂર્વ કચ્છ જિલ્લાના પોલીસ અધિક્ષક સાગર બાગમારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી આ વિશેષ કાર્યવાહીનો મુખ્ય હેતુ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવાનો અને સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવાનો છે. હાલમાં અટકાયત કરાયેલા તમામ વ્યક્તિઓના આધાર કાર્ડ, રહેઠાણના પુરાવા તેમજ અન્ય ઓળખ સંબંધિત દસ્તાવેજોની વિગતવાર ચકાસણી કરવામાં આવી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ જો તપાસ દરમિયાન કોઈ વ્યક્તિ ખોટા આધાર કાર્ડ, નકલી ઓળખપત્રો અથવા અન્ય બનાવટી દસ્તાવેજોના આધારે દેશમાં અથવા જિલ્લામાં વસવાટ કરતો હોવાનું બહાર આવશે તો તેના વિરુદ્ધ કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ જ અટકાયત કરાયેલા લોકો અંગે વધુ સ્પષ્ટ માહિતી જાહેર કરવામાં આવશે.

પૂર્વ કચ્છમાં ચાલી રહેલી આ સઘન કાર્યવાહીથી ગેરકાયદેસર રીતે વસવાટ કરતા તત્વોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. આગામી દિવસોમાં પણ પોલીસ દ્વારા તપાસ અભિયાન વધુ તેજ બનાવવામાં આવશે અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande