મુન્દ્રાની આરોગ્ય ટીમની સતર્કતાથી 5 વર્ષના બાળકને મળ્યું નવજીવન : કામગીરી બની પ્રેરણારૂપ
કચ્છ, 03 જૂન (હિ.સ.) : સમયસરનું નિદાન અને આરોગ્ય કર્મચારીઓની સતત મહેનત ઘણીવાર દર્દી માટે જીવનરક્ષક સાબિત થાય છે. આવો જ એક હૃદયસ્પર્શી કિસ્સો મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ગામમાં સામે આવ્યો છે, જ્યાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) હેઠળ કાર્યરત
સમાઘોઘા ના પાંચ વર્ષના બાળકની તસવીર


કચ્છ, 03 જૂન (હિ.સ.) : સમયસરનું નિદાન અને આરોગ્ય કર્મચારીઓની સતત મહેનત ઘણીવાર દર્દી માટે જીવનરક્ષક સાબિત થાય છે. આવો જ એક હૃદયસ્પર્શી કિસ્સો મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ગામમાં સામે આવ્યો છે, જ્યાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) હેઠળ કાર્યરત આરોગ્ય ટીમની જાગૃતતા અને સતત ફોલો-અપના કારણે પાંચ વર્ષના બાળકને ગંભીર જન્મજાત હૃદયરોગની સારવાર સમયસર મળી શકી છે.

સમાઘોઘા ગામની આંગણવાડી કેન્દ્ર-2 ખાતે યોજાતી નિયમિત આરોગ્ય તપાસ દરમિયાન ટીમે એક બાળકના સ્વાસ્થ્યમાં કેટલીક અસામાન્ય બાબતો નિહાળી હતી. પ્રાથમિક સ્ક્રીનિંગ દરમિયાન બાળકમાં જન્મજાત હૃદયની ખામી હોવાની સંભાવના જણાતાં આરોગ્યકર્મીઓએ વધુ તબીબી તપાસની ભલામણ કરી હતી. બાળકના પરિવારજનોનો સંપર્ક કરીને તેમને જરૂરી તબીબી ચકાસણીઓ કરાવવા સમજાવવામાં આવ્યા હતા.

શરૂઆતમાં બાળકના વાલીઓએ બાળક સંપૂર્ણ સ્વસ્થ હોવાનું માનીને વધુ તપાસ કરાવવા ખાસ રસ દર્શાવ્યો નહોતો. પરંતુ RBSK ટીમે ધીરજપૂર્વક કાઉન્સેલિંગ કરીને જન્મજાત હૃદયરોગના સંભવિત જોખમો અને સમયસર સારવારના મહત્વ વિશે વિગતવાર માહિતી આપી હતી. ટીમના સતત પ્રયાસો અને સમજાવટ બાદ પરિવારજનો બાળકને નિષ્ણાત ડોક્ટરો પાસે લઈ જવા માટે તૈયાર થયા હતા.

ત્યારબાદ કરવામાં આવેલી વિશેષ તપાસોમાં બાળકને જન્મજાત હૃદયની ખામી હોવાનું નિદાન થયું હતું. રિપોર્ટ મળતા જ આરોગ્ય ટીમે વિલંબ કર્યા વિના બાળકને વધુ સારવાર માટે ઉચ્ચ કક્ષાની આરોગ્ય સંસ્થામાં રિફર કર્યો હતો. હાલ બાળક નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ સારવાર મેળવી રહ્યો છે અને તેની સ્થિતિમાં સુધારો નોંધાઈ રહ્યો છે.

આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ માત્ર કાગળ પરનો પ્રોજેક્ટ નથી, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોના આરોગ્ય માટે અસરકારક રીતે કાર્યરત એક મહત્વપૂર્ણ પહેલ છે. કાર્યક્રમ હેઠળ બાળકોમાં જન્મજાત ખામીઓ, વિવિધ રોગો, પોષણની ઉણપ તેમજ વિકાસલક્ષી સમસ્યાઓની વહેલી તકે ઓળખ કરીને તેમને નિઃશુલ્ક અને ગુણવત્તાયુક્ત સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

જિલ્લા આરોગ્ય તંત્રના જણાવ્યા અનુસાર, બાળકોના સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ અસામાન્ય લક્ષણોને અવગણવાને બદલે માતા-પિતાએ તાત્કાલિક આરોગ્ય કર્મચારીઓનો સંપર્ક કરવો જોઈએ. કારણ કે સમયસરનું નિદાન ઘણી વખત ગંભીર બીમારીઓ સામે બાળકનું જીવન બચાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

સમાઘોઘાની આ ઘટના આરોગ્ય કર્મચારીઓની પ્રતિબદ્ધતા, સજાગતા અને માનવતાભર્યા અભિગમનું જીવંત ઉદાહરણ બની છે, જેના કારણે એક નિર્દોષ બાળકને નવી આશા અને સ્વસ્થ જીવન તરફ આગળ વધવાની તક મળી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande