વલસાડ જિલ્લામાં બોલેરો પીકઅપના ચોરખાનામાંથી વિદેશી દારૂ ઝડપાયો
વલસાડ, 03 જૂન (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ પ્રોહિબિશન વિરોધી કામગીરી દરમિયાન મહિન્દ્રા બોલેરો પીકઅપમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી ₹2.70 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર મામલે કુલ
આરોપી


વલસાડ, 03 જૂન (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ પ્રોહિબિશન વિરોધી કામગીરી દરમિયાન મહિન્દ્રા બોલેરો પીકઅપમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી ₹2.70 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર મામલે કુલ ₹7.80 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, વલસાડ જિલ્લામાં દારૂની હેરાફેરી અને પ્રોહિબિશન સંબંધિત ગુનાઓને અટકાવવા માટે પેટ્રોલિંગ દરમિયાન એલસીબીને બાતમી મળી હતી કે એક સફેદ રંગની મહિન્દ્રા બોલેરો પીકઅપ (નંબર GJ-18-BW-3298)માં ગોવાથી અમદાવાદ તરફ વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે એલસીબીની ટીમે ધમડાચી ગામ નજીક જેટસન સિમેન્ટ કંપની સામે નેશનલ હાઇવે-48 પર વાહનને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પીકઅપની બોડીના નીચેના ભાગમાં બનાવેલા ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની વ્હિસ્કી, વોડકા અને બિયરના કુલ 936 નંગ બોટલ અને ટીન (183.360 લીટર) મળી આવ્યા હતા, જેની કિંમત ₹2,70,960 હોવાનું સામે આવ્યું.

પોલીસે વાહનચાલક કિશન ચુંડાભાઈ વરાણિયા (ઉ.વ. 32), રહેવાસી સાંતેજ, તાલુકો કલોલ, જિલ્લા ગાંધીનગરની ધરપકડ કરી હતી. તેની પાસેથી દારૂ ઉપરાંત ₹5 લાખની બોલેરો પીકઅપ અને બે મોબાઇલ ફોન મળી કુલ ₹7,80,960નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ અંગે વલસાડ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. દારૂનો જથ્થો સપ્લાય કરનાર અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ એએસઆઈ જીતેન્દ્ર વજીરભાઈ, હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ રણજીતસિંહ સહિતની ટીમે સફળ કામગીરી અંજામ આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande