
પોરબંદર, 03 જૂન (હિ.સ.) : નશીલા પદાર્થોના વેપાર સામે પોરબંદર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાન હેઠળ એસઓજીની ટીમને મહત્વની સફળતા મળી છે. શહેરના મહારાણા મીલ વિસ્તારની ચાલી નં. 02 ખાતે દરોડો પાડી પોલીસે 3 કિલો 104 ગ્રામ સુકો ગાંજો કબજે કરી એક શખ્સની ધરપકડ કરી છે.
પોરબંદર એસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે મહારાણા મીલની ચાલી નં. 02 ખાતે રહેતો રાજેશકુમાર આશારામ લોધી પોતાના મકાનમાં ગાંજાનો જથ્થો સંગ્રહી રાખ્યો છે. બાતમીના આધારે પોલીસ દ્વારા પંચ સાક્ષીઓની હાજરીમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન પોલીસે આરોપીના કબજામાંથી 3.104 કિલો સુકો ગાંજો તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ રૂ.1,60,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી કમલાબાગ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પકડાયેલ આરોપી મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસ દરમિયાન ગાંજાના સપ્લાય ચેઈન સાથે સંકળાયેલા અન્ય ત્રણ શખ્સોના નામ પણ ખુલ્યા છે. જેમાં શોભગીરી ઉર્ફે ટોન્ટી, મુસ્તુફા હુસેન સાટી અને હસન સમુરાના નામ સામે આવ્યા છે. આ ત્રણેય આરોપીઓ હાલ ફરાર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.આ સમગ્ર કાર્યવાહી એસઓજી પીઆઈ એમ. એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેમજ કોને સપ્લાય થવાનો હતો તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. પોરબંદર જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે એસઓજીની આ કાર્યવાહી નશાના કારોબારીઓ માટે ચેતવણીરૂપ બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya