
નવસારી, 03 જૂન (હિ.સ.): નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ નવસારી તાલુકાના તરસાડી ગામની મુલાકાત લઈને ગ્રામ પંચાયત, આંગણવાડી તેમજ શાળાની સ્થળ પર સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી વિવિધ સેવાઓ, યોજનાઓની અમલવારી તથા ઉપલબ્ધ સુવિધાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
કલેક્ટર મનીષ ગુરવાનીએ ગ્રામ પંચાયત ખાતે, ગામના વિકાસ કાર્યો, સ્વચ્છતા, પીવાના પાણી અને અન્ય પાયાની સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી. આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને આપવામાં આવતી પોષણ સેવાઓ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને અન્ય પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું.
શાળાની મુલાકાત દરમિયાન કલેક્ટર મનીષ ગુરવાનીએ, ઉપલબ્ધ શૈક્ષણિક સુવિધાઓ, શિક્ષણ કાર્ય, સ્વચ્છતા અને માળખાકીય વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ગ્રામજનોને ગુણવત્તાસભર અને સમયસર સેવાઓ મળી રહે તે માટે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને કામગીરી વધુ અસરકારક રીતે કરવાની સૂચના આપી હતી.
આ અવસરે નવસારી પ્રાંત અધિકારી જનમ ઠાકોર સહિત, સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે