
પાટણ, 03 જૂન (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ-ફાઇનાન્સ કોલેજો માટે 4 અને 5 જૂન, 2026ના રોજ આનંદીબેન શંકરભાઈ ચૌધરી મહિલા આર્ટ્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ ખાતે સામૂહિક ઓપન ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી પ્રક્રિયામાં ઉત્તર ગુજરાતની 119 શૈક્ષણિક સંસ્થાઓની 208 કોલેજો ભાગ લઈ રહી છે. કુલ 22 અભ્યાસક્રમોમાં 2459 જગ્યાઓ ભરવામાં આવશે.
ભરતી હેઠળ આચાર્ય, પ્રોફેસર, સહપ્રાધ્યાપક, મદદનીશ પ્રાધ્યાપક, ગ્રંથપાલ અને પી.ટી.આઈ. સહિતના શૈક્ષણિક સ્ટાફની પસંદગી કરવામાં આવશે.
મહેસાણા, પાટણ અને વાવ-થરાદ વિસ્તારની સંસ્થાઓ આ પ્રક્રિયામાં સહભાગી બની રહી છે. ઉમેદવારોને એક જ સ્થળે વિવિધ સંસ્થાઓ સમક્ષ પોતાની લાયકાત અને અનુભવ રજૂ કરવાની તક મળશે, જેના કારણે સમય, શ્રમ અને ખર્ચમાં બચત થશે.
ઉમેદવારોની સુવિધા માટે નોંધણી કાઉન્ટર, હેલ્પ ડેસ્ક, શુદ્ધ પીવાનું પાણી, કેન્ટીન, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ, 108 એમ્બ્યુલન્સ તેમજ કૂલર-ફોગર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સમગ્ર આયોજનનું સંચાલન સાર્વજનિક વિદ્યા સંકુલ, મહેસાણા દ્વારા કરવામાં આવી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ