
નવસારી, 03 જૂન (હિ.સ.) : નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વેસ્મા ગામ નજીક આવેલી જલતારા પ્રોસેસર્સ ફેક્ટરીમાં બુધવારે અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રાજહંસ ઝેસ્ટ્રો પરિસરમાં આવેલી ફેક્ટરીમાંથી નીકળતા ધુમાડાના કાળા ગોટેગોટા દૂર સુધી નજરે પડતા હતા, જેના કારણે સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઈ હતી.
આગની જાણ થતાં જ નવસારી અને પલસાણાની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર કર્મચારીઓએ કલાકો સુધી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા ભારે જહેમત ઉઠાવી હતી. સમયસર કરાયેલા બચાવ પ્રયાસોના કારણે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જે રાહતની બાબત ગણાઈ રહી છે.
જોકે આગની ઘટનામાં ફેક્ટરીમાં રહેલો તૈયાર માલ અને મશીનરીને ભારે નુકસાન પહોંચ્યું છે. પ્રાથમિક અંદાજ મુજબ લાખો રૂપિયાની સંપત્તિ બળીને ખાખ થઈ ગઈ છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી, પરંતુ શોર્ટ સર્કિટ અથવા ટેકનિકલ ખામી જવાબદાર હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે