

ભરૂચ,03 જૂન (હિ.સ.) સ્થાનિક જાહેર માર્ગો પર આડેધડ વાહનો પાર્ક કરી દેવાના કારણે સર્જાતા જીવલેણ અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. નેત્રંગ પોલીસ મથકની હદમાં આવી જ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં રોડ પર કોઈ પણ પ્રકારના આડસ કે પાર્કિંગ લાઈટ ચાલુ રાખ્યા વિના ઊભી રાખેલી ટ્રક પાછળ બાઇક ભટકાતા એક આશાસ્પદ યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઇબ્રામસિંગ કોઠારી નામનો નામનો 33 વર્ષીય યુવાન રાત્રિના આશરે સાડા દસ વાગ્યાના અરસામાં પોતાની મોટરસાયકલ લઈને નેત્રંગ મોરીયાણા રાજ્યધોરીમાર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન માર્ગ પર એક ટ્રક ચાલકે ગંભીર બેદરકારી દાખવી, કોઈ પણ પ્રકારની સુરક્ષા સાવચેતી કે પાર્કિંગ લાઈટ ચાલુ રાખ્યા વિના પોતાની ટ્રક રોડ પર જ પાર્ક કરી દીધી હતી. રાત્રિના અંધારામાં આ પાર્ક કરેલી ટ્રક પ્રીતમને ન દેખાતા તેની મોટરસાયકલ ધડાકાભેર ટ્રકના પાછળના ભાગે ભટકાઈ હતી.
અકસ્માત એટલો ભયાનક હતો કે મોટરસાયકલ ચાલક પ્રીતમને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો એકત્ર થાય તે પહેલા જ ગંભીર ઈજાઓના કારણે પ્રીતમે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પ્રીતમના મૃતદેહને પોસ્ટમોર્ટમ (P.M.) અર્થે નેત્રંગની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. યુવાનના અકાળે અવસાનથી તેના પરિવાર સહિત સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે.
આ સમગ્ર મામલે મૃતક પ્રીતમના પિતા ઈબ્રામસિંગ રાયસિંગ કોઠારી (રહે. મોટી દેવરૂપણ, તા. સાગબારા) એ નેત્રંગ પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. જેમાં જાહેર માર્ગ પર ગંભીર બેદરકારીપૂર્વક આડસ કે પાર્કિંગ લાઈટ વિના ટ્રક પાર્ક કરી અકસ્માત નોતરનાર ટ્રક ચાલક આશિષ પ્રદિપ મડાવી (રહે. કોરંબી, મોરગામ, મહારાષ્ટ્ર) વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નેત્રંગ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ