
ભાવનગર, 03 જૂન (હિ.સ.)ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકાનું એસ્ટેટ વિભાગ સંભવિત દુર્ઘટનાઓ અટકાવવા માટે સક્રિય બન્યું છે. વરસાદી મોસમ દરમિયાન જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ બનતી હોય છે, જેના કારણે જાનહાનિ અને માલમિલકતને નુકસાન થવાનો ભય રહે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં જર્જરિત મિલકતોની ઓળખ કરી સંબંધિત માલિકોને નોટિસ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં શહેરની અંદાજે 350 જેટલી જર્જરિત મિલકતોના માલિકોને નોટિસ પાઠવવામાં આવી છે. ઉપરાંત અન્ય આશરે 400 જેટલી મિલકતોને પણ આગામી દિવસોમાં નોટિસ આપવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. નોટિસ મારફતે મિલકત માલિકોને તેમના મકાનોની મરામત, મજબૂતીકરણ અથવા જરૂરી હોય તો જોખમી ભાગ દૂર કરવા અંગે સૂચના આપવામાં આવી રહી છે.
મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારો, ગામતળ વિસ્તાર તેમજ હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં જર્જરિત મકાનોનું પ્રમાણ વધુ જોવા મળતા ત્યાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ઘણા મકાનો વર્ષો જૂના હોવાથી તેમની સ્થિતિ નબળી બની ગઈ છે અને ભારે વરસાદ અથવા પવન દરમિયાન જોખમ સર્જાઈ શકે છે.
મહાનગરપાલિકાએ નાગરિકોને પણ સાવચેત રહેવા અપીલ કરી છે. જર્જરિત મકાનોમાં રહેતા અથવા તેની આસપાસ અવરજવર કરતા લોકોએ તકેદારી રાખવી તેમજ કોઈ જોખમી મિલકત નજરે પડે તો તાત્કાલિક તંત્રને જાણ કરવી જોઈએ. ચોમાસા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા આ પૂર્વ તૈયારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA