

અમદાવાદ, 03 જૂન (હિ.સ.) : અમદાવાદ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID)ની ભારતસ્થિત ફ્રાન્સના રાજદૂત થિયેરી માથૂના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન NID અને ફ્રાન્સ વચ્ચે હસ્તકલા (ક્રાફ્ટ) તથા સાંસ્કૃતિક ક્ષેત્રોમાં રહેલી વ્યૂહાત્મક તકો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રતિનિધિમંડળે NID કેમ્પસની વિવિધ મુખ્ય સુવિધાઓની મુલાકાત લીધી હતી. ત્યારબાદ યોજાયેલી બેઠકમાં NID અને ફ્રાન્સ વચ્ચેના લાંબા સમયથી રહેલા મજબૂત સંબંધો પર ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે જ, આગામી સમયમાં આ સહયોગી પહેલોને વધુ વ્યાપક અને અસરકારક બનાવવા માટે વિગતવાર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
આ મુલાકાતમાં NIDના ડાયરેક્ટર ડૉ. અશોક મોન્ડલ અને સંસ્થાના વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત મુંબઈ સ્થિત ફ્રાન્સના કોન્સ્યુલ જનરલ પેટ્રિક લેવ્રિનો, કલ્ચરલ અફેર્સના કાઉન્સિલર ગ્રેગ્વાર ટ્રુમેલ, અલાયન્સ ફ્રાન્સેઝ-અમદાવાદના ડાયરેક્ટર ઇમાન્યુએલ બોતિયો તથા મુંબઈ સ્થિત ફ્રાન્સના કોન્સ્યુલેટ જનરલના ઓરા બ્રઝિન્સ્કી ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ