


પોરબંદર, 03 જૂન (હિ.સ.)પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં આવેલ બગવદર તથા મજીવાણા પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા 42 ગામોમાં ચોમાસા દરમિયાન વીજ પુરવઠો અવિરત રહે તે માટે પીજીવીસીએલ દ્વારા પ્રિમોન્સૂન કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી છે.
આ વિસ્તાર હેઠળ કુલ 18 જ્યોતિગ્રામ ફીડર અને 44 ખેતીવાડી ફીડર કાર્યરત છે. જેમાં તમામ 18 જ્યોતિગ્રામ ફીડરોમાં એમવીએસીસી (MVCC) કેબલ નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ઉપરાંત જરૂરી મેન્ટેનન્સ કામગીરી પણ પૂર્ણ કરાઈ છે.
ખેતીવાડી ફીડરો પૈકી 6 ફીડરોમાં એમવીએસીસી કેબલ નાખવાની કામગીરી હાલમાં પ્રગતિમાં છે, જ્યારે તમામ ખેતીવાડી ફીડરોમાં જરૂરી જાળવણી કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત વૃક્ષોની ડાળીઓ કાપવી (ટ્રી કટિંગ), ઝૂકી ગયેલા વીજ થાંભલાઓ સીધા કરવા, ગાળા ખેસવાં, તેમજ નુકસાનગ્રસ્ત થાંભલાઓ બદલવાની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે.આ ઉપરાંત તમામ ગામોમાં આવેલા ટ્રાન્સફોર્મરોનું મેન્ટેનન્સ કરવામાં આવ્યું છે તથા હળવા દબાણ (એલટી) લાઈનોમાં જરૂરી મરામત અને કેબલ બદલવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારના વીજ ફોલ્ટ કે કુદરતી વિક્ષેપોને પહોંચી વળવા માટે પીજીવીસીએલ દ્વારા 8 વિભાગીય (ડિપાર્ટમેન્ટલ) ટીમો તેમજ 6 કોન્ટ્રાક્ટર ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જેથી વીજ લાઈનમાં સર્જાતા ફોલ્ટની કામગીરી ઝડપથી પૂર્ણ કરી ગ્રાહકોને સમયસર વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી શકાય. પીજીવીસીએલના અધિકારીઓએ જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો વધુ વિશ્વસનીય અને સુરક્ષિત રહે તે માટે તમામ જરૂરી પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.અત્રે
ઉલ્લેખનીય છે ચોમાસાના સમયમા બરડા પંથકમા વીજ ધાંધિયા જોવા મળે છે જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ વખતે પ્રિમોન્સુનની કામગીરીની વાતો કરે છે.
જોવાનું એ રહ્યું કે ચોમાસામાં વીજ પુરવઠો યથાવત રહેશે કે કેમ તેને લઈ પણ ચર્ચાઓ જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya