આરબીઆઈ એ કહ્યું કે, સોનાના વેચાણના અહેવાલો ખોટા, અનામત 880.52 ટન પર સ્થિર
-વિદેશી હૂંડિયામણ અનામત બચાવવા માટે 12 અબજ ડોલરના મૂલ્યનું સોનું વેચવાના અહેવાલો ખોટા છે. નવી દિલ્હી, 3 જૂન (હિ.સ.): ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ, બુધવારે મીડિયા અહેવાલોને ફગાવી દીધા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેણે તેના સોનાના ભંડારનો એક
આરબીઆઈ


-વિદેશી હૂંડિયામણ અનામત બચાવવા માટે 12 અબજ ડોલરના મૂલ્યનું સોનું વેચવાના અહેવાલો ખોટા છે.

નવી દિલ્હી, 3 જૂન (હિ.સ.): ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ, બુધવારે મીડિયા અહેવાલોને ફગાવી દીધા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેણે તેના સોનાના ભંડારનો એક ભાગ વેચી દીધો છે. આરબીઆઈ એ સ્પષ્ટતા કરી હતી કે તેની પાસે રહેલા સોનાનો જથ્થો 880.52 ટન પર યથાવત છે.

અમેરિકન મીડિયા કંપની બ્લૂમબર્ગે દાવો કર્યો હતો કે, સેન્ટ્રલ બેંકે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની અસરથી તેના વિદેશી હૂંડિયામણ અનામતને બચાવવા માટે આશરે 12 અબજ ડોલર મૂલ્યનું સોનું વેચ્યું હશે. આ દાવો બ્લૂમબર્ગ ઇકોનોમિક્સના વિશ્લેષણ પર આધારિત હતો.

સેન્ટ્રલ બેંકે લોકોને અફવાઓથી દૂર રહેવા અને અધિકૃત માહિતી માટે હંમેશા આરબીઆઈની સત્તાવાર વેબસાઇટ, http://rbi.org.in ની મુલાકાત લેવા વિનંતી કરી છે. એક નિવેદનમાં, સર્વોચ્ચ બેંકે કહ્યું કે, આરબીઆઈ મીડિયાના કેટલાક વિભાગોમાં એવા અહેવાલો ધ્યાનમાં આવ્યા છે જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે રિઝર્વ બેંક સોનું વેચી રહી છે. આરબીઆઈ ભાર મૂકે છે કે, આ અહેવાલો સાચા નથી.

આરબીઆઈ એ જણાવ્યું હતું કે, તે તેના માસિક બુલેટિનમાં સોનાના ભંડાર અંગે માહિતી પ્રદાન કરે છે. નવીનતમ માહિતી આરબીઆઈ વેબસાઇટ, https://www.rbi.org.in/Scripts/BS_ViewBulletin.aspx?Id=24213 પર ઉપલબ્ધ છે. આજની તારીખે, ભૌતિક સોનાનો ભંડાર 880.52 ટન પર યથાવત છે.

પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી) ના ફેક્ટચેક એકાઉન્ટે પણ સોશિયલ મીડિયા પર આ દાવાનું ખંડન કર્યું છે. તેમાં જણાવાયું છે કે, ભારતના વિદેશી વિનિમય ભંડારમાં સોનાનો હિસ્સો સપ્ટેમ્બર 2025 ના અંતમાં 13.92 ટકાથી વધીને 31 માર્ચ, 2026 ના રોજ 16.70 ટકા થયો છે, અને 22 મે, 2026 સુધીમાં તે વધુ વધીને 16.85 ટકા થયો છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / અનુપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande